1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છની ખરડ કલાએ વટાવ્યા સીમાડા: કલા 1000 વર્ષથી પણ વધુ જૂની
કચ્છની ખરડ કલાએ વટાવ્યા સીમાડા: કલા 1000 વર્ષથી પણ વધુ જૂની

કચ્છની ખરડ કલાએ વટાવ્યા સીમાડા: કલા 1000 વર્ષથી પણ વધુ જૂની

0
Social Share

ભુજ: કચ્છની અનેક કલાએ આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના પ્રાપ્ત કરી છે ત્યારે ૭૦૦ વર્ષથી પણ વધુ જૂની ખરડ કલાને આજે કચ્છના ગણતરીના કલાકારો સાચવીને દેશ-વિદેશના કલાના કદરદાનો સુધી પહોંચાડી રહ્યા છે. આ કલાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજય સરકાર કારીગરોને માર્કેટીંગ પ્લેટફોર્મ તથા અન્ય યોજનાકીય લાભ આપીને પ્રોત્સાહન આપી રહી છે.

આ કલાને સાચવીને બેઠેલા પરિવારે આજે અનેક લોકોને આ કલા શીખવાડીને તેને જીવતદાન આપ્યું છે. મૂળ કચ્છની સરહદી વિસ્તારના કુરન ગામના અને સ્થળાંતર કરીને કુકમા ખાતે રહેતા આ પરિવારના મોભી તેજશીભાઇ ધના મારવાડા જણાવે છે કે, મને યાદ છે ત્યાં સુધી અમારી 10 પેઢીથી આ કામગીરી અમે કરી રહ્યા છીએ. આ કલાના સંરક્ષણ માટે નવી પેઢીને આ કલાની તાલીમ આપતા હાલ કચ્છમાં ખારી, ખાવડા, કુરન વગેરે સ્થળે પણ ખરડકામ થઇ રહ્યું છે.

કલાક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠીત ગણાતો વર્ષ 2019નો સંત કબીર એવોર્ડ,વર્ષ 2013માં ટેક્સટાઇલ ક્ષેત્રનો નેશનલ એવોર્ડ, વર્ષ 2020માં સ્ટેટ એવોર્ડ, વર્ષ 2021માં ગુજરાત ટુરીઝમનો એવોર્ડ તથા વર્ષ 2019 નેશનલ કક્ષાનો કલામણી એવોર્ડ, એક એનજીઓ પ્રાયોજીત વર્ષ 2019નો આંતરરાષ્ટ્રીય એવોર્ડ સહિત નેશનલ અને સ્ટેટ એવોર્ડ મેળવી ચુકેલા તેજશીભાઇ વધુમાં ઉમેરે છે કે, ખરડ કલાએ પારંપરિક કલા છે. જેને હાથ વણાટથી તૈયાર કરવામાં આવે છે. જેને રાજસ્થાનમાં જેરોઇ, સિંધીભાષામાં ખરાદ કહેવાય છે જેનો મતલબ મજબુત એવો થાય છે. આ ખરડ કામમાં ઘેટા, બકરા તેમજ ઊંટના ઊનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી કાર્પેટ, ગાલીચા, વોલ હેંગીગ, આસન વગેરે જેવા ઘર સુશોભન તથા દૈનિક જીવનમાં ઉપયોગ કરી શકાય તેવા નમુના બનાવાય છે. તેઓ જણાવે છે કે, આમ તો કલાના મૂળ ખૂબ જ ઊંડા છે. જયારથી કલાનો વિકાસ થયો ત્યારથી આ કળા અસ્તિત્વમાં છે.

અગાઉ મજુરી કામ કરતા તેજશીભાઇ જણાવે છે કે, ભુકંપ બાદ તેઓના જીવનમાં પરિવર્તન આવ્યું, આ કલા સુધી વધુમાં વધુ ગ્રાહકો પહોંચી શકે તે માટે તેઓ કુરન ગામથી કુકમા રહેવા આવ્યા. ભુકંપ બાદ ઓસ્ટ્રેલીયાથી સિડની સંગ્રહાલયના નિર્દેશક કેરલ ડગલસ ભુજ આવ્યા હતા. તેઓએ કારીગરોને પોતાની કલાના માધ્યમથી ભુકંપની સ્થિતિ દર્શાવવા જણાવતા 3/6 ફુટની મોટી કાલીન બનાવી હતી. જેને પ્રશંસા સાથે 750 ડોલરનો પુરસ્કાર મળ્યો હતો.

આ કાર્પેટ આજે પણ મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી સંગ્રહાલયમાં જોવા મળે છે. વર્ષ 2011માં ફરી કચ્છ આવેલા કેરલ ડગલસે અલગ અલગ પ્રકારના વિષય સાથે વોલ હેંગિગ બનાવડાવી તેઓએ જ ખરીદી લીધા હતા. આ નમુનામાં લગ્ન, તહેવાર, પર્યાવરણ વગેરે થીમ દર્શાવાઇ હતી. આ નમુનાઓનું તેમણે સિડનીમાં ખાસ ખરડકલા ઉપર જ પ્રદર્શન યોજીને તેમાં રજૂ કરતા વિદેશમાં આ કળાથી લોકો પરિચીત થયા હતા. આ નમૂના પૈકી ચાર પ્રોડકટ સિડની મ્યુઝિયમ દ્વારા ખરીદાઇ હતી. જે આજે પણ આ મ્યુઝિયમમાં જોવા મળે છે.

તેઓ ઉમેરે છે કે, આ પ્રદર્શની મેળા થકી વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થતાં અનેક ઓર્ડર મળવા લાગ્યા જેથી મજૂરી કામ છોડીને તેઓ સંપૂર્ણ પણે ખરડ કલાના નમૂના બનાવવામાં લાગી ગયા. આ કલાને વ્યવસાય તરીકે અપનાવી લીધો. વર્ષ ૨૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પુરસ્કાર મળ્યો હતો. જેથી ગુજરાત કક્ષાએ પણ આ કળાને તકો પ્રાપ્ત થઇ. વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય કક્ષાના ખરડ મેળામાં ભાગ લેવાની તક સાથે દિલ્લી નજીક યોજાતા આંતરરાષ્ટ્રીય સુરજકુંડ મેળામાં ભાગ લેવાથી ખરડકામને વૈશ્વિક માર્કેટીંગ પ્લેટફોર્મ પ્રાપ્ત થયું છે.

  • કઇ રીતે જન્મ થયો ખરડ કળાનો

 તેજશીભાઇ જણાવે છે કે, જયારે પ્લાસ્ટીક કે અન્ય કંતાનના કોથળાની શોધ નહોતી થઇ ત્યારે પહેલાના જમાનામાં બજારમાંથી માલ-સામાનના પરિવહનમાં તથા અન્ય ઘરના ઉપયોગ માટે ખરીદાતી ચીજવસ્તુઓ ભરવા માટે ખરડ કલાથી બનાવેલી બેગનો ઉપયોગ કરાતો. અગાઉ લુમની શોધ નહોતી થઇ ત્યારે લોકો હાથથી ઘેટા, બકરા કે ઊંટના ઊનનો ઉપયોગ કરીને તેના તાર બનાવીને તેમાંથી ગુંથીને નાની –મોટી બેગ બનાવતા હતા. જેમાં કુલ ત્રણ પ્રકારની બેગ પ્રચલિત હતી. “કુરજણી “ નામની બેગનો ઉપયોગ ઘીના ડબ્બાના પરિવહનમાં થતો હતો.

જયારે “છાંટ” નામની બેગનો ઉપયોગ ખેડૂતો કરતા, ખેતરમાંથી પાકેલા અનાજને બજાર સુધી લઇ જવામાં આ બેગ વપરાતી હતી. જયારે “ જાલંગ ”નામની બેગનો વપરાશ ખેડૂતો પશૂઓના ચારા ભરી રાખવા તથા પરિવહનમાં કરતા હતા. આમ, ખેડૂતો, માલધારીઓ તથા સામાન્ય પ્રજા ખરડકામથી તૈયાર થયેલી ચીજોનો ઉપયોગ કરતી હતી. આ સાથે રાજા-મહારાજા “ખરડ દરી” (કાલીન)નો ઉપયોગ કરતા હતા. સમય બદલાતા બેગની માંગ બંધ થતાં આધુનિક યુગ આવતા ખરડકામને લોકઉપયોગી બનાવવા હાલ ઘરસુશોભનના નમુના તથા વોલ હેંગિગના નમુના બનાવીને કારીગરો પોતાની આવક રળી રહ્યા છે.

  • 1000 વર્ષ જૂની પરંપરાગત લુમનો આજે પણ ઉપયોગ

ખરડ બનાવવા માટે આજે પણ તેજશીભાઇ 1000 વર્ષ જૂની પરંપરાગત પધ્ધતિની લુમનો ઉપયોગ કરે છે. ખરડને લુમ પર બનાવ્યા બાદ તેઓ ગ્રાહકની પસંદ મુજબ ડિઝાઇન બનાવે છે. કોઇ કાપેર્ટ પર બંને તરફ તો કોઇપર એક તરફ ડિઝાઇન કરવામાં આવે છે. ડિઝાઇન વગરનો ખરડ બનાવવામાં 10 થી 15 કલાકનો સમય લાગે છે. જયારે કોઇ વિષય આધારીત ખરડ બનાવવામાં 2 થી 3 માસનો સમય લાગી જાય છે. કિંમતની વાતની કરીએ તો નમુના એક હજારથી માંડીને એક લાખ સુધીના હોય છે.

તેજશીભાઇ જણાવે છે કે, અમારી કલાને પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મેળાના માધ્યમથી માર્કેટીંગ પ્લેટફોર્મ આપવામાં આવે છે.  ઉપરાંત અન્ય યોજનાઓના માધ્યમથી આર્થિક સહાય કરવામાં આવતી હોવાથી આ કલાને જીવતદાન આપી શકાયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code