Site icon Revoi.in

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશના મુદ્દે કાનૂની વિવાદ, વિદ્યાર્થીઓનો પ્રવેશ અટક્યો

Social Share

અમદાવાદ, 28 જુન 2026 : Legal dispute over admission to St. Xavier’s College શહેરની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને રાજ્ય સરકાર વચ્ચે પ્રવેશના મુદ્દે કાનુની વિવાદ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ આપવાનો આગ્રહ રાખી રહી છે, ત્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજના સંચાલકો સ્વતંત્રરીતે કોલેજ દ્વારા પ્રવેશનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. કોર્ટમાં આ કેસ પેન્ડિંગ હોવાના લીધે વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ બની ગયું છે. 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે સરકારે બધી કોલેજોને GCAS પોર્ટલથી જ એડમિશન આપવાનો આદેશ કર્યો. પરંતુ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, જે માઈનોરિટી સંસ્થા છે, તેણે બંધારણની કલમ 30 હેઠળ મળતા અધિકારનો હવાલો આપી પોતાની અલગ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હોવાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે.

સેન્ટ ઝેવિયર્સ કોલેજે વિદ્યાર્થીઓને પોતાની વેબસાઈટ પર સીધા અરજી કરવા જણાવ્યું છે, જ્યારે સરકારે GCAS પોર્ટલના માધ્યમથી એડમિશન પ્રક્રિયા ફરજિયાત કર્યું હોવાથી મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. બીજી તરફ, નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પણ થઈ ગઈ છે. આ દરમિયાન GCASનો પહેલો રાઉન્ડ પૂરો પણ થઈ ગયો, પણ સેન્ટ ઝેવિયર્સમાં અરજી કરનાર વિદ્યાર્થીઓ અસમંજસમાં છે. કોલેજે 9 જૂને નોટિસ મૂકી કે કોર્ટની કાર્યવાહી પેન્ડિંગ હોવાથી હાલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય. ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફી ભરવી, સીટ એલોટમેન્ટ, એડમિશન કન્ફર્મેશન… આ બધી પ્રક્રિયા અટકાવી દેવાઈ છે. વિદ્યાર્થીઓને ખબર નથી કે તેમનું એડમિશન થશે કે નહીં, થશે તો ક્યારે થશે. આ અનિશ્ચિતતાનો સૌથી મોટો ભોગ વિદ્યાર્થી બની રહ્યા છે. જે વિદ્યાર્થીઓએ સેન્ટ ઝેવિયર્સને પ્રાથમિકતા આપી, તેઓ GCASમાં બીજી કોલેજ પસંદ કરી શક્યા નથી. હવે જો કોર્ટનો નિર્ણય કોલેજની વિરુદ્ધ આવશે, તો તેમનું વર્ષ બગડવાનો ભય છે. બીજી તરફ, બીજી કોલેજોમાં સીટ ભરાઈ જશે તો વિકલ્પ પણ નહીં રહે. શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં સંસ્થાના અધિકાર અને સરકારની નીતિ વચ્ચેની લડાઈમાં વિદ્યાર્થી પીસાઈ રહ્યો છે.

Exit mobile version