1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત પ્રાકૃતિક ખેતીનું ‘મોડેલ’ બને એવા પ્રયત્નો કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગુજરાત પ્રાકૃતિક ખેતીનું ‘મોડેલ’ બને એવા પ્રયત્નો કરીએ : રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત

ગુજરાત પ્રાકૃતિક ખેતીનું ‘મોડેલ’ બને એવા પ્રયત્નો કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

0
Social Share

ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને પ્રાકૃતિક ખેતીના પરિણામોની સમીક્ષા કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુરૂવારે રાજભવનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને આંધ્રપ્રદેશના કૃષિ વિભાગના કિસાન સશક્તિકરણ સંગઠનના એક્ઝિક્યુટિવ ઉપાધ્યક્ષ ટી. વિજયકુમારની ઉપસ્થિતિમાં વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભૂમિ, પાણી, પર્યાવરણ કે સ્વાસ્થ્ય; તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી સિવાય વિશ્વ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ગુજરાત દુનિયા માટે પ્રાકૃતિક ખેતીનું ‘મોડેલ’ બને એવા પ્રયત્નો કરીએ.
પ્રત્યેક ગામમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ બનાવે જેથી અન્ય ખેડૂતોને પ્રેરણા મળે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો સંશોધનો કરે અને પ્રાકૃતિક કૃષિનું વિજ્ઞાન લોકો સમક્ષ મૂકે જેથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સફળતા સંદર્ભે કોઈ સંદેહ ન રહે. પ્રાકૃતિક કૃષિ માટે માનસિકતા બદલવાની આવશ્યકતા છે. યોગ્ય પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો પહેલા જ વર્ષથી યોગ્ય ઉત્પાદન મળતું થઈ જાય છે, એટલું જ નહીં ભૂમિની ગુણવત્તા સુધરવા મંડે છે. તમામ પ્રકારે લાભદાયી એવી પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની અનિવાર્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ છે ત્યારે સૌના સહિયારા સક્રિય પ્રયત્નોની આવશ્યકતા છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ફાયદાઓ જ ફાયદા છે. સંશોધન અને શિક્ષણનું કામ કરતી કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક ખેતીમાં સંશોધનો કરે અને એ સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડે જેથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવામાં ખેડૂતના મનમાં કોઈ શંકા ન રહે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનવતાના કલ્યાણ માટે, ભારત દેશના હિતમાં પ્રાકૃતિક ખેતીને ‘મિશન’ બનાવ્યું છે ત્યારે, સૌએ આ ‘મિશન’ને સફળ બનાવવામાં પુરા મનથી જોડાઈ જવાની જરૂર છે. તેમને પરિણામલક્ષી કામગીરીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ માટે મિશન મોડ પર કામ કરવું પડશે. આ માટે આયોજનબદ્ધ  રીતે આગળ વધવું પડશે. સ્વ-સહાય જૂથોની મહિલાઓની મદદથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ ઝડપથી વધારી શકાશે. સાથોસાથ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના પ્રમાણન અને વેચાણની વ્યવસ્થાઓ પણ સુદ્રઢ કરાશે. ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિકો સંશોધનો કરીને પ્રાકૃતિક કૃષિના પરિણામો-અભ્યાસો લોકો સમક્ષ મૂકશે તો પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત જ્ઞાન અને અનુભવ આધારિત ખેતી નથી પણ એક વિજ્ઞાન છે; તે ખેડૂતોને સમજાશે તો તેઓ સરળતાથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે.

આંધ્રપ્રદેશના પૂર્વ સ્પેશ્યલ ચીફ સેક્રેટરી (કૃષિ) અને વર્તમાનમાં આંધ્રપ્રદેશના કૃષિ વિભાગના કિસાન સશક્તિકરણ સંગઠનના એક્ઝિક્યુટિવ ઉપાધ્યક્ષ ટી. વિજય કુમારે કહ્યું હતું કે, ભૂમિની ફળદ્રુપતા ભયજનક રીતે ઓછી થઈ રહી છે. આપણી જમીન ઝડપથી રણ થઈ રહી છે. જો પ્રાકૃતિક ખેતી નહીં અપનાવીએ તો આપણે આપણા બાળકોને વારસામાં રેતી આપીને જઈશું. થોડા વર્ષો પહેલાં જ એક હેક્ટર જમીનમાં 13 કિલોગ્રામ રાસાયણિક ખાતર પર્યાપ્ત હતું. અત્યારે પ્રતિ હેક્ટર 130 કિલોગ્રામ રાસાયણિક ખાતર નાખવું પડે છે. તેમણે જમીનને હંમેશા ઢાંકીને-આચ્છાદનમાં રાખવા, એક સાથે અનેક પાક લેવા, ખેતરમાં વૃક્ષો વાવવા અને ભૂમિને ઓછામાં ઓછી ખલેલ પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code