
WHO દ્વારા ‘વોક ધ ટોક’ યોગના કાર્યક્રમનું આયોજન
નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા, કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્ર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ડાયરેક્ટર જનરલ, ટેડ્રોસ ઘેબ્રેયસસે ‘વોક ધ ટોક’ યોગ સત્ર કાર્યક્રમમાં યોગના આસનો કર્યા.
યુએન દ્વારા સ્વિત્ઝર્લેન્ડના જીનીવા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રા અને WHOના મહાનિર્દેશક ભારતીય પ્રતિનિધિમંડળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાયા હતા.
2014માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા પ્રાચીન ભારતીય ફિટનેસ દિનચર્યાની ઉજવણી માટે એક દિવસ સમર્પિત કરવાના પીએમ મોદીના પ્રસ્તાવને ઔપચારિક રીતે સ્વીકારવામાં આવ્યા પછી, 2015 થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વભરમાં વાર્ષિક 21 જૂને ઉજવવામાં આવે છે.
UNGAમાં તેમના 2014ના સંબોધનમાં, પ્રધાનમંત્રી મોદીએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની દરખાસ્ત કરી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉદ્દેશ્ય યોગની પ્રેક્ટિસ કરવાના ઘણા ફાયદાઓ વિશે વિશ્વભરમાં જાગૃતિ લાવવાનો છે. પીએમ મોદીએ કહ્યું, “યોગ ભારતમાંથી આવે છે, તે ખૂબ જ જૂની પરંપરા છે. યોગ કોપીરાઈટ, પેટન્ટ અને રોયલ્ટીની ચૂકવણીથી મુક્ત છે. યોગ તમારી ઉંમર, લિંગ અને ફિટનેસ સ્તરને અનુરૂપ છે. યોગ પોર્ટેબલ છે અને તે ખરેખર સાર્વત્રિક છે.”