અમદાવાદ, 10 જુન, 2026 : 120 huts gutted in fire શહેરના વિશાલાથી નારોલ જતા રોડ પર ગ્યાસપુરમાં મેટ્રો સ્ટેશન નજીક ફતેવાડી કેનાલના સમાંતર આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે બપોરના ટાણે આગ લાગતા 120 ઝૂંપડા બળીને ખાક થયા હતા. જોકે આ આગના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં અનેક ઝૂંપડાંઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા અને આગની ભીષણતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટરની ગાડીઓ અને પાણીના ટેન્કરો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આ આગના બનાવની વિગત એવી છે કે, શહેરના ગ્યાસપૂર મેટ્રો સ્ટેશન નજીક ફતેવાડી કેનાલ પસાર થાય છે. જ્યાં કેનાલની સમાંતર આવેલા ઝૂંપડાઓમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં 120થી 150 જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવ્યા હતા. જો કે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરના ગ્યાસપૂર મેટ્રો સ્ટેશન પાસેના કેનાલની બાજુમાં ઝૂંપડાઓમાં બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. જ્યાં આસપાસમાં 200થી વધુ ઝૂંપડાઓ છે. એમાંથી 120થી 150 જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવતા ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. એટલે કે ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવી છે. ઝૂંપડાઓ કુલિંગ પ્રોસેસ કરી દેવામાં આવ્યું છે. આગની ઘટના સમયે મોટાભાગના ઝૂંપડાઓમાં કોઈ વ્યક્તિ હાજર ન હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી.


