અમદાવાદ, 10 જુન, 2026 : Digital luggage locker facility launched શહેરના કાળુપુર રેલવે સ્ટેશનને અદ્યત્તન બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે કાળુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે ડિજિટલ લગેજ લોકરની સુવિધા શરૂ કરવામાં આવી છે. આજે બુધવારે રેલવે સ્ટેશન પરિસરમાં ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ સેવા શરૂ થવાને કારણે હવે પ્રવાસીઓ પ્રવાસ દરમિયાન સામાન સાચવવાની ચિંતામાંથી મુક્ત બનશે.
શહેરના કાળુપુર રેલવે સ્ટેશન ખાતે ડિજિટલ લગેજ લોકરની આધુનિક સુવિધાના શુભારંભ પ્રસંગે આજે સવારે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સિસ્ટમની કાર્યપ્રણાલીની સમીક્ષા કરી હતી. ઘણીવાર અન્ય શહેરોમાંથી અમદાવાદ આવતા પ્રવાસીઓ અથવા કનેક્ટિંગ ટ્રેનની રાહ જોતા પ્રવાસીઓ પાસે ઘણો સામાન હોય છે, જેના કારણે તેઓ રેલવે સ્ટેશનની બહાર નીકળી શકતા નથી. પરંતુ હવે આ ડિજિટલ લગેજ લોકર સુવિધાની મદદથી પ્રવાસીઓ પોતાનો નાનો-મોટો સામાન અત્યંત સુરક્ષિત રીતે લોકરમાં જમા કરાવી શકશે. ત્યારબાદ તેઓ સામાનની કોઈ પણ પ્રકારની ચિંતા વિના નિશ્ચિંત થઈને અમદાવાદ શહેરમાં ખરીદી કરવા, ફરવા અથવા પોતાના અન્ય અગત્યના કામો પતાવવા માટે જઈ શકશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના કહેવા મુજબ કાળુપુર રેલવે સ્ટેશન પર ક્લોક રૂમની સરખામણીએ આ ડિજિટલ લગેજ લોકર સેવા પ્રવાસીઓને વધુ સુરક્ષિત, ઓટોમેટેડ અને સરળ ટેક્નોલોજી આધારિત સુવિધા પૂરી પાડે છે.


