જીવનઝરુખો.. હાસ્યં શરણં ગચ્છામિ..
જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના? ક્યાંકથી ગીતના શબ્દો કાને અથડાઇ રહે છે. ફક્ત કાન સુધી જ નહીં કદાચ અંતર સુધી પહોંચી રહે છે. બહુ સાચી વાત કહેવાઇ હોય એવું લાગે છે. મુસ્કુરાતે હુએ દિન બિતાના..
આજકાલ હાસ્યએ જાણે જિંદગીમાંથી દેશવટો લઇ લીધો છે. જિંદગીની ભાગદોડમાં, ક્યાંક પહોંચી જવાની લ્હાયમાં માણસ હસવાનું ભૂલી ગયો છે ને જે હસવાનું ભૂલી ગયો હોય એ જીવવાનું પણ ભૂલી ગયો છે એમ ચોક્કસ કહી શકાય.
આજે હસવું એ કદાચ સૌથી અઘરી જીવનકલા બની ગઇ છે. અને જીવનભર હાસ્યને નિભાવવું એ તો એથી યે વધારે અઘરું.
આ પણ વાંચોઃ જીવનઝરૂખો.. આનંદ આમાર ગોત્ર, ઉત્સવ આમાર જાતિ
એવું નથી કે વિશ્વમાં દુઃખ, પીડા, ઉદાસી, નિરાશા, અફસોસ વગેરે નથી. એ બધા વિના જીવન શકય પણ નથી. પણ જો જગતને જોવાની આપણી વૃત્તિ થોડી અલગ, થોડી હટકે હોય તો એવા સંજોગોમાં પણ ચહેરા પરનું સ્મિત સલામત રહી શકે છે. જયારે સંજોગો આપણા કાબૂ બહારની વાત હોય ત્યારે પરિસ્થિતિનો સહજ સ્વીકાર અને એ પણ હસતા ચહેરે એ સૌથી આવશ્યક છે અને એ જ પરિસ્થિતિને સહ્ય બનાવીને એમાંથી રસ્તો સૂઝાડે છે.
કહે છે દરેક માણસે પોતાની ભીતર એક વિદુષકને જીવતો રાખવો જોઇએ. જે કોઇ પણ વાતને સહજતાથી લઇને હસી કાઢે અને રોતલવેડાની જગ્યાએ સ્મિતની ધજા ફરકાવ્યા કરે.
હાસ્ય એ રમૂજના થીગડાં કે ગલી કરાવે એવા ટુચકા નથી. પણ કંઇક વિશેષ છે. રજનીશજી અવારનવાર કહેતા કે હાસ્ય એ મારો ધર્મ છે. ઇશ્વરે માણસને રોતલ બનીને બેસી રહેવા માટે આ દુનિયામાં નથી મોકલ્યો. જે પોતે ન હસી શકે એ બીજાને તો ક્યાંથી હસાવવાનો હતો? અલબત્ત સરકસમાં જોકર એ કામ કરી શકે છે. પણ સૌ કોઇ માટે શક્ય નથી.
જે માણસ પોતાની જાત પર નથી હસી શકતો એને જગત પર હસવાનો કોઇ અધિકાર નથી.
આપણા સૌનો અનુભવ રહ્યો છે કે ક્યારેય પણ ફોટો પડાવવા જઇએ કે ઘરમાં પાડીએ ત્યારે જે પણ ફોટા પાડતું હોય એની સૌ પહેલી સૂચના એ જ આવતી હોય છે કે સ્માઇલ પ્લીઝ..
આ પણ વાંચોઃ દરિયાની વચ્ચે લખાયેલી વિજ્ઞાન, સાહસ અને સ્વતંત્રતાની અદભૂત કથા
હસતા ચહેરામાં આપોઆપ એક સૌન્દર્ય નિખરી આવે છે. શિશુનું નિર્દોષ હાસ્ય કેવું મોહક બની રહેતું હોય છે. કોઇ છળકપટ સિવાયનું એ નિર્બંધ હાસ્ય ગમે તેવા રોતલ ચહેરા પર સ્મિતની લહેરખી ફરકાવી દેવા સમર્થ હોય છે.
મને બરાબર યાદ છે જ્યારે હું હાઇસ્કૂલમાં ભણતી હતી ત્યારે અમારા આચાર્ય હંમેશાં એક વાક્ય અમને કહેતા – Laugh and world will laugh with you, weep and weep alone.
અને હું સ્કૂલમાં ભણાવતી ત્યારે અમારા આચાર્ય કહેતા- જે દિવસે ક્લાસમાં જઇને બે પાંચ મિનિટ હસી કે હસાવી ન શકો એ દિવસે મહેરબાની કરીને ક્લાસમાં ન જતા.
આપણે ડૉક્ટર પાસે જઇએ અને કોઇ ડૉક્ટર થોડી હસીને વાત કરે ત્યારે આપણને કેવી રાહતની લાગણી થાય છે! પછી એ ડૉક્ટર એના કામમાં હોંશિયાર હોય કે ન હોય એની પર આપણે સારા માણસનું લેબલ અચૂક લગાડી દઇએ છીએ. અને ગમે તેવો હોંશિયાર ડૉક્ટર હોય પણ રૂક્ષતાથી વાત કરે તો એના માટે આપણને માન નથી થતું. એની પાસે મજબૂરી સિવાય જવાનું આપણે પસંદ નથી કરતા.
આજે અનેક રોગમાં હાસ્યનો એક થેરાપી તરીકે પણ સફળ ઉપયોગ થઇ રહ્યો છે. લાફિંગ કલબ ઠેર ઠેર કાર્યરત બની રહી છે એ સારી નિશાની છે. આજે હસવા માટે આવી કલબોની માંગ એ આજના સમયની જરૂરિયાત છે.
જિંદગી છે તો સુખ, દુઃખ તો હોવાના જ. એ તો ઘટ સાથે ઘડાયેલા છે. માનવી એનાથી ભાગી શકે એમ નથી. પરંતુ જિંદગીના દુ:ખને ઓગાળવા માટે હાસ્યથી શ્રેષ્ઠ રસાયણ બીજું કોઇ ન હોઇ શકે.
જીવન સરોવરમાં હાસ્યનું મેઘધનુષ અવતરી રહે એથી વિશેષ બીજું શું હોઇ શકે?
Laughter is the best medicine.. આવું અમસ્તું જ નથી કહેવાયું.
અલબત્ત ..
“હસો, ખૂબ હસો, હજુ સમય છે જરા લ્યો હસી,
પણ હસવા સમી નવ બનાવશો જિંદગી”



