નવી દિલ્હીઃ આતંકીઓના આકા ગણાતા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનનોન ગનમેનને પગલે કટ્ટરવાદી તત્વોમાં ભય ફેલાયો છે. ત્યારે હવે આ અનનોન ગનમેનની કટ્ટરવાદ તરફ ઝડપથી આગળ વધી રહેલા બાંગ્લાદેશમાં પણ એન્ટ્રી થઈ ચુકી છે. બાંગ્લાદેશમાં જુલાઈ વિદ્રોહના મુખ્ય નેતા અને ઈંકલાબ મંચના પ્રવકતા શરીફ ઉસ્માન હાદીની બે અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીમારી હત્યા કરી છે. હાદીના મોત બાદ બાંગ્લાદેશમાં ફરીથી કટ્ટરપંથીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે . તેમજ તોડફોડ અને આગચંપીના બનાવને અંજામ આપી રહ્યાં છે. તેમજ એક હિન્દુ યુવાનની આ કટ્ટરપંથીઓએ હત્યા પણ કરી હોવાનું જાણવા મળે છે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ કટ્ટરપંથીઓ લઘુમતીઓને નિશાન બનાવતા હતા. જેની દુનિયાના વિવિધ દેશોએ ગંભીર નોંધ લીધી હતી. શેખ હસીનાની સરકારની સામે જુલાઈ ક્રાંતિમાં હાદી તરીકે ઓળખાતા શરીફ ઉસ્માન બિન હાદી મુખ્ય નેતા મનાતા હતા. ભારત વિરોધ, જુલાઈ આંદોલનના શહીદોના અધિકારોની માંગ અને અવામી લીગ ઉપર પ્રતિબંધની માંગને લઈને કરાયેલા પ્રદર્શનોમાં પણ હાદીની મહત્વની ભૂમિકા રહેલી છે. 12મી ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાવાની છે. હાદી ભારતનો સખ્ત વિરોધ કરી રહ્યાં હતા. ભારતના નોર્થ ઈસ્ટને બાંગ્લાદેશના કથિત ગ્રેટ બાંગ્લાદેશના નક્શમાં હાદીએ સમાવેશ કર્યો હતો. તેમજ હાદી અવાર-નવાર ભડકાઉ ભાષણ આપતો હતો. હાદીને આગામી રાષ્ટ્રીય ચૂંટણીમાં ઢાકા-8 બેઠક ઉપર સંભવિત ઉમેદવાર માનવામાં આવતો હતો. દરમિયાન ગત શુક્રવારે ઢાકામાં શુક્રવારે બે અજાણ્યા બંદૂકધારીઓએ તેની ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા હાદીને સિંગાપુર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. હાદીની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીમારીને હત્યા કરતા ફરી એકવાર પાકિસ્તાનમાં ખળભળાટ મચાવનાર અનનોન ગનમેન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બંને શખ્સો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે જાણી શકાયું નથી પરંતુ બાંગ્લાદેશમાં અજાણ્યા બંદૂકધારીઓની હાજરીથી ખળભળાટ મચી ગયો છે.
દરમિયાન પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાથી અજ્ઞાત બંદૂકધારી એક પછી એક કટ્ટરપંથીઓને ઠાર મારી રહ્યાં છે. 17મી ફેબ્રુઆરી 2025ના રોજ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના પોલિટિકલ વિંગના પ્રમુખ મૌલાના કાશિફ અલીની બે અજ્ઞાત શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ જ વર્ષે લશ્કરના આતંકી ફૈઝલ નદીમ ઉર્ફે અબુ કતાલ સિંધી, આઈએસઆઈના અંડરવકર એજન્ટ મુફ્તી શાહ મીર, મસૂદ અઝહરના નજીકનો મનાતો રહીમ અલ્લાહ તારિક, અકરમ ગાઝી, ખ્વાજા શાહિદ ઝિયાઉર રહેમાન, હિઝબુલના આતંકી બશીર અહેમદ પીસ, જૈશના આતંકી ઝહૂર ઈબ્રાહીનની પણ અજ્ઞાત શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હતી. આ લિસ્ટ ઘણુ લાંબુ છે પરંતુ પાકિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારીઓનો કટ્ટરપંથીઓમાં ભારે ખોફ ફેલાયો છે. ત્યારે હવે બાંગ્લાદેશમાં પણ અજાણ્યા બંદૂરધારીઓએ કટ્ટરપંથી માનસિકતા ધરાવતા હાદીની હત્યા કરતા પાકિસ્તાનમાં બેઠેલ્લા કટ્ટરપંથીઓ પણ ચોંકી ઉઠ્યાં છે.


