1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણી 2024: પક્ષપલટૂઓ પર કડક થવા લાગી છે જનતા, 1977માં 31 તો 2019માં 85 ટકાને મળી છે હાર
લોકસભા ચૂંટણી 2024: પક્ષપલટૂઓ પર કડક થવા લાગી છે જનતા, 1977માં 31 તો 2019માં 85 ટકાને મળી છે હાર

લોકસભા ચૂંટણી 2024: પક્ષપલટૂઓ પર કડક થવા લાગી છે જનતા, 1977માં 31 તો 2019માં 85 ટકાને મળી છે હાર

0
Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા ઝડપ પકડી રહી છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની ઘોષણા કરવાની પ્રક્રિયામાં તબક્કાવાર આગળ વધી રહ્યા છે. બીજી તરફ નેતાઓના પક્ષપલટાનો સિલસિલો ચાલુ છે. તેનું તાજું ઉદાહરણ ઝારખંડના સીતા સોરેનનું છે. ત્રણ ટર્મના ધારાસભ્ય અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાભી સીતા સોરેને 19 માર્ચે ઝારખંડ મુક્તિ મોરચાને અલવિદા કરીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ પહેર્યો. તેમના પહેલા ઝારખંડથી જ કોંગ્રેસના સાંસદ ગીતા કોડા ભાજપમાં જોડાયા હતા અને તેમણે પોતાની હાલની સિંહભૂમ બેઠક પરથી જ ટિકિટ મેળવી.

લોકસભા ચૂંટણી પહેલા અત્યાર સુધીમાં જેટલા નેતાઓએ પક્ષપલટો કર્યો તેના પર એક નજર કરીએ-

નેતા                               પહેલા                             હવે

બૃજેન્દ્રસિંહ                       ભાજપના સાંસદ                 કૉંગ્રેસના ઉમેદવાર

રાહુલ કસ્વાં                       ભાજપના સાંસદ                 કૉંગ્રેસના ઉમેદવાર

રિતેશ પાંડે                         બીએસપીના સાંસદ              ભાજપના ઉમેદવાર

અફઝાલ અંસારી                  બીએસપીના સાંસદ              સમાજવાદી પાર્ટીના ઉમેદવાર

બી. બી. પાટિલ                  બીઆરએસના સાંસદ            ભાજપના ઉમેદવાર

સંગીતા આઝાદ                   બીએસપીના સાંસદ              ભાજપના ઉમેદવાર

પક્ષપલટો શા માટે?

નેતાઓનો પક્ષપલટો કોઈ નવી વાત નથી. નેતાઓ ટિકિટ નહીં મળવાથી, અન્ય પાર્ટીમાં જીતની વધુ સંભાવના વગેરેને કારણે પાર્ટી બદલે છે. જો કે હવે આવા નેતાઓ માટે ખરાબ સમાચાર છે, કારણ કે સમયની સાથે તેમના જીતવાની સંભાવના સમાપ્ત થઈ રહી છે.

અશોક યુનિવર્સિટીના ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટાએ લોકસભાના આંકડાનું વિશ્લેષણ કર્યું છે. તેમાંથી તારણ સામે આવ્યું છે કે 2019ની ચૂંટણીમાં પક્ષપલટો કરનારા નેતાઓનો સક્સેસ રેટ 15 ટકાથી ઓછો રહ્યો હતો, જ્યારે 1960ના દશકમાં સરેરાશ લગભગ 30 ટકા પક્ષપલટૂઓ જીતી જતા હતા.

ગત લોકસભા ચૂંટણીમાં 8000થી વધારે ઉમેદવારો હતા અને તેમાં 195 પક્ષપલટૂઓ હતા. 2019માં પક્ષપલટૂ ઉમેદવારોનો દર 2.4 ટકા હતો અને તેમનો સક્સેસ રેટ 14.9 ટકા હતો એટલે કે માત્ર 29ને જીત મળી હતી.

બે ચૂંટણી પહેલા પક્ષપલટૂ નેતાઓનો સક્સેસ રેટ લગભગ બેગણો હતો. 2004ની લોકસભાની ચૂંટણીના કુલ ઉમેદવારોમાં પક્ષપલટૂ ઉમેદવારોનો હિસ્સો 3.9 ટકા હતો અને સક્સેસ રેટ 26.2 ટકા હતો.

પક્ષપલટૂ નેતાઓ માટે 1977નું વર્ષ ગોલ્ડન ઈયર હતું. કટોકટી બાદ યોજાયેલી ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીનો મુકાબલો કરવા માટે ઘણી રાજકીય શક્તિઓએ હાથ મિલાવ્યો હતો. કટોકટી દરમિયાન જેલમાં નાખવામાં આવેલા તમામ સમાજવાદી, જનસંઘી અને કિસાન નેતાઓએ સાથે મળીને ચૂંટણી લડી હતી.

1977ની લોકસભા ચૂંટણીમાં ઉતરેલા 2439 ઉમેદવારોમાંથી 6.6 ટકા એટલે કે 161 પક્ષપલટૂ હતા. આ ચૂંટણીમાં પક્ષપલટૂ નેતાઓનો સક્સેસ રેટ 68.9 ટકા હતો અને તે અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ છે.

જો કે આગામી ચૂંટણીમાં સક્સેસ રેટ ત્રણ ગણાથી વધારે ઘટયો હતો. 1980માં લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ વાપસી કરી હતી. ત્યારે 4629 ઉમેદવારોમાંથી 377 એટલે કે 8.1 ટકા પક્ષપલટૂ હતા. ચૂંટણી પરિણામો આવ્યા, તો પક્ષપલટૂઓનો સક્સેસ રેટ ઘટીને 20.69 ટકા થયો હતો.

ભાજપ અને કોંગ્રેસમાંથી ક્યાં પક્ષમાં પક્ષપલટૂ વધારે સફળ રહ્યા?

1984 કોંગ્રેસમાં આવેલા પક્ષપલટૂઓ માટે સૌથી સારું વર્ષ સાબિત થયું. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજેયલી ચૂંટણીમાં સહાનુભૂતિ લહેર વચ્ચે કોંગ્રેસે 32 પક્ષપલટૂઓને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાંથી 81.3 ટકા એટલે કે 26ની જીત થઈ હતી.

1984માં ભાજપે પહેલી લોકસભા ચૂંટણી લડી હતી. ભાજપે 62 પક્ષપલટૂઓને ટિકિટ આપી હતી, પણ એકપણ પક્ષપલટૂ ઉમેદવાર ભાજપમાંથી જીતી શક્યો નહીં.

2019માં ભાજપે કુલ ઉમેદવારોના 5.3 ટકા પક્ષપલટૂઓને ઉતાર્યા હતા અને તેમાંથી 56.5 ટકાની જીત થઈ હતી. કોંગ્રેસે કુલ 9.5 પક્ષપલટૂઓને ઉમેદવાર બનાવ્યા હતા અને તેમાંથી માત્ર 5 ટકાને જ સફળતા મળી હતી.

2014માં ભાજપની ટિકિટ પર લડનારા પક્ષપલટૂ ઉમેદવારોનો સક્સેસ રેટ 66.7 ટકા હતો અને કોંગ્રેસ માટે તે આંકડો 5.3 ટકા હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code