ભાવનગર, 27 મે, 2026 : Long queues of farmers to get diesel at pumps પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયા બાદ પણ રાજ્યભરમાં ડીઝલની અછતથી માત્ર ટ્રક-ટ્રાન્સપોર્ટરો જ નહીં પણ ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે. જિલ્લાના ત્રાપજ-અલંગ હાઇવે પર આવેલા પેટ્રોલપંપો પર ડીઝલની તીવ્ર અછત સર્જાતાં સ્થાનિક ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધોમધખતા તાપમાં કલાકો સુધી અને રાત-દિવસ લાઈનોમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબનું ડીઝલ મળતુ નથી. સરકારે ખેડૂતોને કથિત રીતે પ્રતિ ખાતેદાર 200 લીટર ડીઝલ આપવાની જાહેરાત કરી હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વાવણીના આ મહત્વના સમયે ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે.
ભાવનગર જિલ્લામાં ખેતીની સિઝન બરાબર ખીલી રહી છે ત્યારે જ સર્જાયેલી ડીઝલની કટોકટીએ જગતના તાતની ચિંતા વધારી દીધી છે. ડીઝલ લેવા માટે આવેલા ખેડૂતો પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હાઇવે પરના પંપ પર માંડ અઠવાડિયે ડીઝલનો જથ્થો આવ્યો છે. સરકાર ભલે 200 લીટર ડીઝલ આપવાની વાતો કરતી હોય, પરંતુ અહીં અમને માત્ર ₹1500 સુધીનું જ મર્યાદિત ડીઝલ આપવામાં આવે છે. તેના માટે પણ અમારે આખો આખો દિવસ લાઈનોમાં ઉભા રહીને રઝળપાટ કરવો પડે છે. પૂરતું ઇંધણ ન મળવાને કારણે ટ્રેક્ટર અને અન્ય કૃષિ યંત્રો થંભી ગયા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, વાવણી પહેલા ખેતરો ખેડવાની તેમજ ખેતરોના જૂના પાળા સરખા કરીને વાવણી માટે જમીન તૈયાર કરવાનો અને શાહ પાડવાનો અતિ મહત્વનો સમય આવી ગયો છે. જો સમયસર ડીઝલ નહીં મળે તો વાવણી પાછી ઠેલાઈ જવાની ભીતિ છે. ખેતીના મુખ્ય કામકાજ વચ્ચે જ પેટ્રોલપંપો પર લાગતી આ લાંબી કતારોએ ખેડૂતોની મુશ્કેલીઓ બેવડાવી દીધી છે, જેથી તંત્ર આ બાબતે વહેલી તકે યોગ્ય પુરવઠો પૂરો પાડે તેવી માંગ ઉઠી છે.

