અમરેલી, 20 મે, 2026 : Long queues of tractors for diesel ગુજરાતમાં ડીઝલની અછતને લીધે ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતો પણ ડીઝલની અછતનો સામનો કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના મુખ્ય મથકો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે, જ્યાં પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ટ્રેક્ટરો અને અન્ય વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ સ્થિતિ માટે ઉપરથી ડીઝલનો સપ્લાય ઓછો મળતો હોવાથી આ સ્થિતિ ઊભી થઈ છે.
અમરેલી જિલ્લાના રાજુલા, અમરેલી, સાવરકુંડલા અને લાઠી સહિતના પંથકોમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતો ટ્રેક્ટર, કેરબા અને બેરલ લઈને કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. ઉનાળુ પાક માટે સિંચાઈ અત્યંત જરૂરી છે, પરંતુ ડીઝલના અભાવે પંપસેટ અને અન્ય કૃષિ સાધનો ચલાવી શકાતા નથી. જો સમયસર ઈંધણ ઉપલબ્ધ નહીં થાય તો કાળઝાળ ગરમીમાં પાક સુકાઈ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર સવારના સમયે જ ડીઝલનો જથ્થો ખૂટી જતાં વાહનચાલકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. કેટલીક જગ્યાએ મર્યાદિત જથ્થામાં જ ડીઝલનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી લોકોને એક પંપથી બીજા પંપ સુધી ભટકવું પડે છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો આર્થિક અને માનસિક હાલાકી ભોગવી રહ્યા છે.
અમરેલી જિલ્લા પુરવઠા અધિકારીના કહેવા મુજબ જિલ્લાના પેટ્રોલ પંપોને ડીઝલનો જથ્થો મર્યાદિત મળતો હોવાથી જિલ્લામાં આ સ્થિતિ સર્જાઈ છે. જે પંપો પર જથ્થો ઉપલબ્ધ છે ત્યાં વિતરણ ચાલુ છે. કોઈ પણ પંપ સંચાલક દ્વારા ડીઝલનો સંગ્રહ કરવામાં આવતો નથી. તંત્ર દ્વારા સ્થળ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી છે. દરમિયાન ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે ખેતીની સિઝનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે પૂરતો જથ્થો ફાળવવામાં આવે જેથી પાકને થતું નુકસાન અટકાવી શકાય

