અમદાવાદ, 14 જુન, 2026 : LRD exam conducted peacefully ગુજરાતમાં આજે રવિવારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ)માં ઉત્તીર્ણ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા, આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોની 849 કેન્દ્રો પર લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આજે સવારે 9.30 થી બપોરે 12.30 વાગ્યા દરમિયાન યોજાયેલી 200 ગુણની MCQ (મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન) આધારિત પરીક્ષા પૂર્ણ થયા બાદ બહાર આવેલા ઉમેદવારોના જણાવ્યા મુજબ પેપર ઘણું સરળ રહ્યું હતું અને તેમાં ખાસ કરીને બંધારણને લગતા પ્રશ્નો વધારે પ્રમાણમાં પૂછવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ મુખ્ય શહેરોમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. ભરતી બોર્ડ દ્વારા પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ડમી ઉમેદવારોના દૂષણને રોકવા માટે લોખંડી પોલીસ બંદોબસ્તની સાથે પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફેસિયલ રેકોગ્નિશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન જેવી અત્યાધુનિક ડિજિટલ સિક્યોરિટી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરીક્ષા આપીને બહાર આવેલા ઉમેદવારોએ કહ્યું હતું કે, સમગ્ર પેપર ના તો બહુ અઘરું હતું અને ના તો બહુ સહેલું, પરંતુ તે એક મોડરેટ (મધ્યમ) સ્તરનું હતું. પરીક્ષાના માળખા અનુસાર પેપરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં પાર્ટ-A માં ગણિત, રીઝનિંગ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનનો સમાવેશ થતો હતો, જ્યારે પાર્ટ-Bમાં ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, વિજ્ઞાન અને કરંટ અફેર્સ જેવા વિષયો પૂછાયા હતા. પાર્ટ-A અપેક્ષા કરતાં ઘણો લાંબો અને સમય માંગી લે તેવો રહ્યો હતો, કારણ કે તેમાં પૂછાયેલી પઝલ્સ ખૂબ જ વિગતવાર હતા. આ ભાગમાં જે વિદ્યાર્થીઓ પાસે ગણિત અને રીઝનિંગની શોર્ટકટ ટ્રિક્સ હતી તેઓ તેને સરળતાથી ઉકેલી શક્યા હતા. પરંતુ જેઓ આ લાંબા પ્રશ્નોમાં વધુ સમય ગૂંચવાયા તેમને પાર્ટ-B માટે સમય ઘટ્યો હોવાની સંભાવના છે. આ ઉપરાંત, પાર્ટ-A માં યુનાઇટેડ નેશન્સ (UN) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને આઇ.આર. (IR)ને લગતા વ્યવહારુ તેમજ ફકરા આધારિત પ્રશ્નો પણ જોવા મળ્યા હતા. (File photo)

