મહારાષ્ટ્ર: ઠાણેમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે અકસ્માત, 9 ના મોત
મુંબઈ, 13 એપ્રિલ 2026: મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના મુરબાડ વિસ્તારમાં આજે સોમવારે સવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ મિક્સર અને પેસેન્જર વાન વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના સવારે અંદાજે 11:30 વાગ્યાની આસપાસ મુરબાડના ગોવિલી ગામ પાસે આવેલા રૈતા પુલ પર બની હતી. એક વાન મુસાફરોને લઈને જઈ રહી હતી ત્યારે સામેની દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ મિક્સરે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાનનો લોખંડી કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.
આ અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે વાનમાં સવાર 9 લોકોએ ટૂંકી સારવાર મળે તે પહેલા જ ત્યાં જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બચાવ કામગીરી હાથ ધરીને પતરાં ચીરીને મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા 3 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
અકસ્માત રૈતા પુલ પર થયો હોવાથી હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. હાલમાં પોલીસ મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા કરી રહી છે અને અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મિક્સર ચાલકની બેદરકારી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


