1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્ર: મુસ્લિમ સમુદાયને શિક્ષણમાં મળતું 5 ટકા આરક્ષણ સરકારે સંપૂર્ણપણે રદ કર્યું
મહારાષ્ટ્ર: મુસ્લિમ સમુદાયને શિક્ષણમાં મળતું 5 ટકા આરક્ષણ સરકારે સંપૂર્ણપણે રદ કર્યું

મહારાષ્ટ્ર: મુસ્લિમ સમુદાયને શિક્ષણમાં મળતું 5 ટકા આરક્ષણ સરકારે સંપૂર્ણપણે રદ કર્યું

0
Social Share

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2026: મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ નિર્ણય લેતા મુસ્લિમ સમાજને અપાતું 5 ટકા આરક્ષણ સત્તાવાર રીતે રદ કરી દીધું છે. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળના સામાજિક ન્યાય વિભાગે આ અંગેનો જૂનો વટહુકમ અને તમામ સંબંધિત સરકારી ઠરાવો રદ કરવાનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણય સાથે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ આરક્ષણ હેઠળ પ્રવેશ મળી શકશે નહીં.

વર્ષ 2014માં તત્કાલીન કોંગ્રેસ-એનસીપી સરકાર (પૃથ્વીરાજ ચવ્હાણ સરકાર) એ વિધાનસભા ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલા મુસ્લિમો માટે 5 ટકા અને મરાઠાઓ માટે 16 ટકા આરક્ષણની જાહેરાત કરી હતી. લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવ બાદ લેવાયેલા આ નિર્ણયનો હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો. જોકે, ભાજપે ત્યારે પણ ધર્મના આધારે આરક્ષણને ‘ગેરબંધારણીય’ ગણાવી તેનો વિરોધ કર્યો હતો.

ફડણવીસ સરકારના સામાજિક ન્યાય અને વિશેષ સહાયતા વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ મુસ્લિમ સમાજના ‘વિશેષ પછાત વર્ગ-એ’ (એસબીસી-એ) હેઠળ અપાતા જાતિના પ્રમાણપત્રો હવે માન્ય રહેશે નહીં. બોમ્બે હાઈકોર્ટે 14 નવેમ્બર, 2014ના રોજ આ આરક્ષણ પર સ્ટે આપ્યો હતો. દરમિયાન 2014નો એ વટહુકમ કાયદાનું સ્વરૂપ લઈ શક્યો ન હતો અને 23 ડિસેમ્બર, 2014ના રોજ તેની મુદત પૂરી થઈ ગઈ હતી. આ ટેકનિકલ કારણોને આગળ ધરીને સરકારે હવે તમામ જૂના પરિપત્રો રદ કર્યા છે.

વિપક્ષી નેતાઓ આ નિર્ણયને રાજકીય રીતે પ્રેરિત ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે હાઈકોર્ટે શિક્ષણમાં 5 ટકા રાહત આપી હતી, છતાં સરકારે તેને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. જ્યારે સરકારનું કહેવું છે કે જે વટહુકમ અસ્તિત્વમાં જ નથી, તેના આધારે પ્રમાણપત્રો જારી કરી શકાય નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ સાચર કમિશન (2006) અને રંગનાથ મિશ્રા સમિતિ (2004) એ મુસ્લિમોની નબળી આર્થિક સ્થિતિ પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્રની મહમૂદ ઉર-રહેમાન સમિતિએ મુસ્લિમ સમુદાય માટે 8% આરક્ષણની ભલામણ કરી હતી, જેની સામે તે સમયે 5 ટકા મંજૂર કરવામાં આવ્યું હતું. સરકારના આ નિર્ણયથી હવેથી મુસ્લિમ આરક્ષણ હેઠળ કોઈ નવા જાતિના પ્રમાણપત્રો જારી કરવામાં આવશે નહીં. તેમજ કોલેજો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આ ક્વોટા હેઠળ એડમિશન બંધ થશે. આગામી સમયમાં આ મુદ્દે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવવાની પૂરેપૂરી શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code