ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઊંઝામાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો
મહેસાણાઃ પ્રવાસન નિગમ દ્વારા ઉંઝા ખાતે યોજાયેલા મહા આરતી મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રવાસન નિગમ દ્વારા 07 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ધાર્મિક ક્ષેત્રોમાં મહાઆરતીનું આયોજન કરાયું છે જેનાથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં આયોજીત મહા આરતીથી વાતાવરણ ભક્તિમય બન્યુ છે. મંત્રીએ નવરાત્રીના આ પવિત્ર પ્રસંગે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી તેમના તંદુરસ્ત આરોગ્ય માટે માતાજીને પ્રાર્થના કરી હતી. ઊંઝામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પ્રવાસન વિભાગ દ્વારા મહા આરતીના આયોજનથી કરાઇ હતી. આ કાર્યક્રમમાં ભાઇ ભાઇ ફેઇમ કલાકાર અરવિંદ વેગડા સહિત ખ્યાતનામ કલાકારોના તાલે લોકો ગરબે ઝૂમ્યા હતા. આ ઉપરાંત ઉંઝા ખાતે આયોજીત મહા આરતીના દર્શન કરી નાગરિકો મુગ્ધ થયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉંઝા ઉમિયા માતાજીના નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી મા ઉમિયાની આરતી કરી હતી. પ્રવાસન નિગમ દ્વારા ઉંઝા ખાતે આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય ડો આશાબેન પટેલ,કરશનભાઇ સોલંકી, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ,અગ્રણી જશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીભાઇ, ઉંઝા એ.પી.એમ.સી ચેરમેન દિનેશભાઇ, પ્રવાસન નિગમના અધિકારીઓ સહિત પદાધિકારીઓ તેમજ માઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.