આજકાલ યુવાન હોય કે વડીલ દરેકને વાળ સફેદ થવાની સમસ્યા સતાવે છે. સમય પહેલાં વાળ સફેદ થવાથી ઘણા લોકો બજારમાં મળતા કેમિકલયુક્ત હેર કલરનો ઉપયોગ કરે છે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવા કેમિકલવાળા કલરથી વાળ બરછડ, કમજોર અને તૂટી જવાના ભય વધી જાય છે. જો તમે પણ આ મુશ્કેલીમાંથી બહાર આવવા ઈચ્છો છો, તો હવે તમે ઘરે બેઠા કુદરતી રીતે કાળો હેર કલર બનાવી શકો છો. આ DIY હેર કલરમાં કોઈ કેમિકલ નથી અને તે તમારા વાળને માત્ર કાળા જ નહીં, પણ મજબૂત પણ બનાવશે.
· કાળો હેર કલર બનાવવા માટેની સામગ્રી
હિના પાઉડર – 2 ચમચી
ઈન્ડિગો પાઉડર – 2 ચમચી
પાણી – જરૂર મુજબ
નાળિયેર તેલ – 1 નાની ચમચી
· બનાવવાની રીત
સૌપ્રથમ એક વાટકીમાં હિના પાઉડર લઈ તેમાં થોડીક માત્રામાં પાણી ઉમેરી ઘાટું પેસ્ટ બનાવી લો. તૈયાર પેસ્ટને ઢાંકીને 6-8 કલાક માટે અલગ રાખો. હવે બીજી વાટકીમાં ઈન્ડિગો પાઉડર લઈ તેમાં પણ પાણી ઉમેરી ઘાટું પેસ્ટ બનાવી લો. પછી હિના પેસ્ટમાં નાળિયેર તેલ ઉમેરી, તેમાં તૈયાર ઈન્ડિગો પેસ્ટ મિક્સ કરો. બરાબર મિક્સ કર્યા પછી થોડા સમય માટે રહેવા દો.
· હેર કલર લગાવવાની રીત
કલર લગાવતાં પહેલાં વાળ સ્વચ્છ અને સૂકા રાખો. તૈયાર કલરનું મિશ્રણ વાળની જડથી છેડા સુધી સમાન રીતે લગાવો. તે પછી 1થી 2 કલાક સુધી રહેવા દો. સમય પૂરો થયા પછી સામાન્ય ગરમ પાણીથી વાળ ધોઈ લો.
વાળ સુકાઈ ગયા બાદ તેનો કુદરતી કાળો રંગ અને ચમક તમને સ્પષ્ટ જોવા મળશે. આ ઘરેલું હેર કલર માત્ર સલામત જ નહીં, પરંતુ વાળને મજબૂત અને સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ કુદરતી ઉપાય પણ છે.

