તહેવારને બનાવો ખાસ: ઘરે જ બનાવો સોફ્ટ મલાઈ બરફી, જાણો રેસીપી
તહેવાર ગમે તે હોય, મીઠાઈ વિના તે અધૂરો લાગે છે. અને જ્યારે વાત મીઠાઈની આવતી હોય ત્યારે ‘મલાઈ બરફી’નું નામ ન લેવાય તેવું તો બને જ નહીં. તેનું સોફ્ટ અને ક્રીમી ટેક્સચર, મનમોહક સુગંધ અને મધ્યમ ગળપણ દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. બજાર જેવી જ શુદ્ધ અને સ્વાદિષ્ટ મલાઈ બરફી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. આગામી હોળી કે કોઈપણ ખાસ પ્રસંગે જો તમે ઘરે આ મીઠાઈ બનાવશો, તો બાળકોથી લઈને મોટાઓ સુધી બધા તમારા વખાણ કરતા થાકશે નહીં. ચાલો જાણીએ આ આકર્ષક મલાઈ બરફી બનાવવાની સરળ રીત.
- સામગ્રી
માવોઃ 250 ગ્રામ
દૂધ: અડધો કપ
કન્ડેન્સ્ડ મિલ્ક: એક ચોથાઈ કપ
ખાંડ: અડધો કપ (સ્વાદ મુજબ ફેરફાર કરી શકાય)
ઘી: 1 નાની ચમચી
ઈલાયચી પાવડર: અડધી ચમચી
ડ્રાય ફ્રૂટ્સ: કાજુ, પિસ્તા અને બદામ (ગાર્નિશિંગ માટે)
- બનાવવાની રીત
સૌથી પહેલા એક કડાઈમાં માવો લો અને તેને ધીમી આંચ પર ગરમ કરો. ખાસ ધ્યાન રાખવું કે માવો બળે નહીં, તેને માત્ર સોફ્ટ અને સહેજ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. માવો નરમ થઈ જાય એટલે તેમાં દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. આ મિશ્રણને સતત હલાવતા રહો જેથી ગાંઠો ન પડે અને એક સમાન ઘટ્ટ પેસ્ટ તૈયાર થાય. હવે તેમાં ખાંડ ઉમેરીને ધીમે-ધીમે પકાવો. મિશ્રણને સતત હલાવતા રહેવું અત્યંત જરૂરી છે. જ્યારે આ મિશ્રણ કડાઈની કિનારીઓ છોડવા લાગે અને ઘટ્ટ થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો. તૈયાર મિશ્રણમાં ઈલાયચી પાવડર અને એક ચમચી ઘી ઉમેરો. ઘી ઉમેરવાથી બરફીમાં એક સરસ ચમક અને અદભૂત સ્વાદ આવશે. એક પ્લેટ અથવા ટ્રેમાં થોડું ઘી લગાવી તેને ગ્રીસ કરી લો. હવે તૈયાર મિશ્રણને પ્લેટમાં કાઢીને સપાટ કરી લો. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેના પર ઝીણા સમારેલા કાજુ, પિસ્તા અને બદામ ભભરાવો. મિશ્રણ સંપૂર્ણપણે સેટ થઈ જાય અને ઠંડુ થાય, એટલે તેને મનગમતા ચોરસ કે ડાયમંડ શેપમાં કાપી લો. તમારી ટેસ્ટી અને ક્રીમી મલાઈ બરફી તૈયાર છે! આ શુદ્ધ મીઠાઈ તમારા તહેવારના આનંદને બમણો કરી દેશે.


