Site icon Revoi.in

રાજકોટમાં નકલી પોલીસની ઓળખ આપીને ટ્રાન્સપોર્ટર પાસેથી તોડ કરતો શખસ પકડાયો

Social Share

રાજકોટઃ પોલીસની ઓળખ આપીને લોકો પાસે તોડ કરતા નકલી પોલીસને દબોચી લેવાયો છે. નામચીન આરોપી મિહિર કૂંગસિયા અગાઉ પણ પોલીસના સ્વાંગમાં તોડ કરતા 5 વાર પકડાયેલો છે. તેમજ પાસામાં જેલમાં પણ જઈ આવ્યો છે. ટ્રાન્સપોર્ટરને પોતે પોલીસ હોવાનું કહીને ધમકી આપીને 20 હજારની લૂંટ કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે નકલી પોલીસ મિહિરને ઝડપી લીધો હતો.

રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા બરકતીનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સમીરભાઈ મુલતાની (ઉં.વ.42)એ નામચીન મિહિર કૂંગસિયા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પોતાના વતનમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ હાજરી આપવા ગયાં હતાં. અને ગઈકાલે પરત 4 વાગ્યે એસ.ટી. બસમાં રાજકોટ આવવા રવાના થયા હતા અને સાંજે 7 વાગ્યે રાજકોટ બસપોર્ટ પર ઉતરી બસ સ્ટેન્ડ પાછળ આવેલી ચાની હોટલે ચા પીવા ગયાં હતા. અહીં બાજુમાં એક શખસ ઉભો હતો. ચા પીને તે ભૂતખાના ચોક પહોંચી ઘરે જવા રિક્ષામાં બેઠાં હતાં અને નાગરીક બેંક ચોક પહોંચતા એક એક્સેસ ચાલકે રિક્ષાને આંતરી હતી અને પોતે ક્રાઇમ બ્રાન્ચમાં છે, એવુ કહી રિક્ષામાંથી નીચે ઉતારી તમારા પર કેસ થયો છે તેમ કહીં બાઈકમાં બેસાડી ગાયત્રી મેઈન રોડ પર લઈ ગયો હતો. ત્યારબાદ એક જગ્યાએ બાઈક ઉભું રાખી પહેલાં મોબાઈલ માંગ્યો હતો અને પર્સ માંગ્યુ હતું અને પર્સ ચેક કરી તેમાં રહેલા 20,000 કાઢી પરત આપી દીધું હતું. જેથી તેને રૂપિયા બાબતે વાત કરતાં રકઝક કરી હવે બધું પૂરું થઈ ગયું છે. કાલે ક્રાઈમ બ્રાન્ચે આવી જજે કહીં આરોપી પોતાનું બાઈક લઈ નાસી છૂટ્યો હતો.

આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરાવવા માટે ફરિયાદી ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી. જે તપાસ દરમિયાન કોઈ પોલીસ નહિ પરંતુ, પોલીસના નામે અગાઉ પણ પાંચ-પાંચ વખત પોલીસના નામે તોડ કરીને પંકાયેલો આરોપી મિહિર કુગશીયા હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટ માલવિયા નગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મવડી ચોક બ્રિજ નીચે ઉભેલો શખ્સ મિહિર કુગશીયા છે, જેને ભક્તિનગર વિસ્તારમાં બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી લૂંટ ચલાવી છે. જેથી, પોલીસે મવડી ચોક બ્રિજ નીચેથી પંકાયેલા આરોપી મિહિર ભાનુભાઈ કુંગશીયાની ધરપકડ કરી. તેની પાસેથી રોકડ રૂપિયા 20,000, એક એક્સેસ અને બે મોબાઈલ સહિત કુલ રૂ.1.80 લાખનો મુદામાલ કબ્જે કરી ભક્તિનગર પોલીસને સોંપી દેતા ભક્તિનગર પોલીસે આગળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપી મહીર અગાઉ નકલી પોલીસની ઓળખ આપવાના 5 ગુનામાં પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે અને એક વખત પાસા તળે સુરત જેલમાં પણ ધકેલાઈ ચુક્યો છે આમ છતાં જેલમાંથી બહાર આવી ફરી છઠ્ઠી વખત ક્રાઇમ બ્રાન્ચના નામે લૂંટ ચલાવતા પોલીસે તેને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું.