નવી દિલ્હી : દિવાળી પૂર્વે દેશના સામાન્ય લોકો, નાના વેપારીઓ અને ખેડૂતોને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી. હવે જીએસટીના માત્ર બે જ સ્લેબ રહેશે – 5 ટકા અને 18 ટકા. આ સાથે જ દૈનિક ઉપયોગની અનેક આવશ્યક વસ્તુઓને જીએસટીમાંથી મુક્ત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું કે રોટલી, પનીર, દૂધ જેવી જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓ તેમજ દવાઓ અને શિક્ષણ સંબંધિત સામાન પર હવે જીએસટી લાગશે નહીં. રેડી-ટુ-ઈટ રોટલી, તમામ પ્રકારની બ્રેડ, પિઝા, પનીર, યુએચટી દૂધ અને છેનાને જીએસટીમાંથી મુક્તિ મળી છે.
વિદ્યાર્થીઓ માટે પણ સરકાર મોટી રાહત લાવી છે. પેન્સિલ, રબર, કટર, નોટબુક, ગ્લોબ, નકશા, પ્રેક્ટિસ બુક અને ગ્રાફ બુક પર હવે જીએસટી લાગશે નહીં. કાઉન્સિલે 33 જીવલેણ દવાઓ પર લાગતો 12 ટકા ટેક્સ દૂર કર્યો છે. સાથે જ હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીને પણ જીએસટીના દાયરા બહાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેક્ટરના કેટલાક પાર્ટ્સ પર ટેક્સ 18%માંથી ઘટાડી 5% કરવામાં આવ્યો છે. ટૂથ પાઉડર, દૂધની બોટલ, રસોડાના વાસણ, છત્રી, સાયકલ, બાંસનું ફર્નિચર અને કાંસાની કાંખી પર ટેક્સ 12%માંથી ઘટાડી 5% કર્યો છે, જ્યારે શેમ્પૂ, ટેલ્કમ પાઉડર, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ફેસ પાઉડર, સાબુ અને હેર ઓઈલ પર ટેક્સ 18%માંથી ઘટાડી 5% કર્યો છે. આ નિર્ણયોથી દૈનિક જીવનની અનેક વસ્તુઓ સસ્તી બનશે અને નાના વેપારીઓ તથા ખેડૂતોને સીધી રાહત મળશે.