1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ખેડુતોએ કપાસના પુરા ભાવ ન મળતા સંગ્રહ કર્યો, આવતા વર્ષે કપાસ વેચશે
સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ખેડુતોએ કપાસના પુરા ભાવ ન મળતા સંગ્રહ કર્યો, આવતા વર્ષે કપાસ વેચશે

સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ખેડુતોએ કપાસના પુરા ભાવ ન મળતા સંગ્રહ કર્યો, આવતા વર્ષે કપાસ વેચશે

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કપાસનું ઉત્પાદન મોખરાનું સ્થાન ધરાવે છે. દર વર્ષે જિલ્લામાં કપાસની અંદાજે 7થી 8 લાખ ગાંસડી એટલે કે 1 ગાંસડીમાં 25 મણ કપાસ ગણતાં 20 કરોડથી વધુ ઉત્પાદન થાય છે. આ વર્ષે કપાસના ભાવ ઓછા આવવાને કારણે ખેડૂતોએ અડધો કપાસ જ વેચ્યો છે એટલે કે આવતા વર્ષે સારા ભાવની આશાએ ઘણાબધા ખેડુતોએ કપાસનો સંગ્રહ કર્યો છે. કોઈએ ઘરમાં તો કોઈએ વાડામાં  કપાસની ગાંસડીઓનો સંગ્રહ કર્યો છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયન અને અમેરિકન કપાસના ભાવ ઝાલાવાડના કપાસ કરતાં 8થી 10 ટકા ઓછા હોઈ બાંગ્લાદેશ, વિયેતનામ અને ઇન્ડોનેશિયામાં ઝાલાવાડી કપાસની નિકાસ ઓછી થતાં કપાસના ભાવ અત્યારે રૂ. 1600 જેટલા તળિયે બેસી ગયા છે. એટલે ઘણાબધા ખેડુતો ઓછા ભાવે કપાસ વેચવા તૈયાર નથી. એટલે આવતા વર્ષે ભાવ વધશે ત્યારે જ કપાસ વેચશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર  જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં ઉત્પાદનના 60 ટકા જેટલા જ કપાસનું વેચાણ કર્યું છે. હજુ પણ 40 ટકા જેટલો કપાસ ખેડૂતોએ વેચવાનું ટાળી ઘરમાં જ સંગ્રહ કરી રાખ્યો છે. ચોમાસાની સીઝનમાં જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે 4.05 લાખ હૅક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. વિદેશમાં કપાસની માંગ અને કપાસિયા સીંગતેલના સારા ભાવને કારણે ગયા વર્ષે કપાસના ભાવ રૂ. 2000થી રૂ. 2500 જેટલા હતા. અને આથી ખેડૂતોએ તમામ કપાસ વેચી નાખ્યો હતો પરંતુ આ વર્ષે સીઝનની શરૂઆતમાં જ કપાસના ભાવ રૂ. 1900થી રૂ. 2000 ખૂલ્યા હતા, જેમાં ધીરેધીરે ઘટાડો થયો હતો. અત્યારે પણ કપાસના ભાવ રૂ. 1500થી રૂ. 1600 જેટલા જ છે. આથી શરૂઆતમાં ખેડૂતોએ 60 ટકા જેટલા કપાસનું વેચાણ કરી દીધું હતું. ત્યાર બાદ ભાવ વધવાની આશાએ કપાસ વેચવાનું બંધ કરી દીધું હતું. આજે પણ કપાસના ભાવ તળીયે જ છે જેને લઇને હજુ પણ 40 ટકા જેટલો કપાસ ખેડૂતોના ઘરમાં જ પડયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગત વર્ષે કપાસનો ભાવ રૂ. 2000થી રૂ.2500 પ્રતિ 20 કિલોના ઉપજ્યા હતા. જ્યારે આ વર્ષે પ્રતિ 20 કિલોના રૂ.1600થી 2050 સુધીનો ભાવ હોવાથી ખેડૂતોએ સોદા કર્યા નહતા. હાલ ટેક્સટાઈલ મિલોમાં મંદીનો દૌર ચાલી રહ્યો છે. વિશ્વના બજારમાં દોરાની માંગ ખૂબ ઘટી ગઈ છે. આથી અત્યારે સ્પીનિંગ મિલો પણ 60થી 70 ટકા જ ચાલી રહી છે. ગયા વર્ષે ગાંસડીનો ભાવ રૂ. 1.10 લાખ જેટલો હતો, તે આ વર્ષે માત્ર રૂ. 62000 જ છે. આથી જ આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના કપાસના ઉત્પાદનના 60 ટકા જ સોદા પડ્યા છે. બાકીનો જે 40 ટકા જેટલો કપાસ ખેડૂતોએ સંગ્રહ કરી રાખ્યો છે તે જિલ્લા માટે ઐતિહાસિક બાબત છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code