Site icon Revoi.in

ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગમાં મંદીને લીધે અનેક એકમોને તાળાં લાગ્યા

Social Share

રાજકોટ, 31 મે, 2026 : Many units closed due to slowdown in Dhoraji’s plastic industry  પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં તમામ ઉદ્યોગોમાં મંદીનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરનો પ્લાસ્ટિક ઉદ્યોગ પણ ભારે મંદીના વમળોમાં સપડાયો છે. એક સમયે ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર ગણાતા ધોરાજીમાં હાલ ડીઝલના વધતા ભાવ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો અને વેચાણમાં ઘટાડાના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. સ્થિતિ એવી બની છે કે શહેરના અંદાજે 450 જેટલા પ્લાસ્ટિક કારખાનાઓમાંથી માત્ર 25 ટકા જેટલા જ કારખાના હાલ કાર્યરત છે. જેના કારણે શ્રમિકો સહિત અનેક લોકો બેરાજગાર બન્યા છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પ્લાસ્ટિકની ચિજ-વસ્તુઓ બનાવવાના અનેક એકમો આવેલા છે. પ્લાસ્ટિક ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે માલસામાનના પરિવહનનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બમણો થતાં ઉત્પાદન ખર્ચ પણ વધી ગયો છે, જેના કારણે બજારમાં સ્પર્ધા કરવી કારખાનેદારો માટે મુશ્કેલ બની રહી છે. એક તરફ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ વેચાણમાં ઘટાડો નોંધાતા તૈયાર માલનો જથ્થો કારખાનાઓમાં જ પડી રહ્યો છે. બજારમાં માંગ ઓછી હોવાથી ઉદ્યોગકારો માલ વેચવાને બદલે સ્ટોક કરવા મજબૂર બન્યા છે. જેના કારણે નાણાકીય પ્રવાહ પર પણ અસર પડી રહી છે.

શહેરના અંદાજે 450 જેટલા પ્લાસ્ટિક કારખાનાઓમાંથી માત્ર 25 ટકા જેટલા જ કારખાના હાલ કાર્યરત છે. ઉદ્યોગમાં મંદીના કારણે અંદાજે પાંચ હજાર જેટલા મજૂરોની રોજગારી પર સંકટ ઊભું થયું છે. અનેક કારખાનાઓમાં કામકાજ બંધ અથવા મર્યાદિત થતાં મજૂરોને પૂરતું કામ મળતું નથી, જેના કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ પણ કફોડી બની રહી છે. સ્થાનિક પ્લાસ્ટિક ઉદ્યોગના અગ્રણીઓનું માનવું છે કે, સરકાર જો ડીઝલના ભાવમાં રાહત આપે તો ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થઈ શકે અને ઉદ્યોગને ફરી ગતિ મળી શકે. ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને જરૂરી રાહત પેકેજ તથા સહાયની માંગ ઉઠાવી છે.

Exit mobile version