Site icon Revoi.in

સુરતના પલસાણા વિસ્તારમાં કેમિકલની ફેટકરીમાં લાગી ભીષણ આગ

Social Share

સુરતઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે પલસાણા વિસ્તારમાં વધુ એક આગને બનાવ બન્યો હતો. શહેરના પલસાણા વિસ્તારના મખીંગા ગામમાં આવેલી  બાલાજી કેમિકલ ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફેકટરીમાં કેમિકલ હોવાને લીધે જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિની થઈ નથી.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, શહેરના પલસાણા વિસ્તારના મખીંગા ગામમાં આવેલી બાલાજી કેમિકલ ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી મોટી હતી કે, દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટે-ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ફેક્ટરીમાં જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે ખૂબ જ ઓછા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. આગની તીવ્રતા એટલી વધુ હતી કે, 10થી વધુ ફાયરની ગાડીઓ આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પલસાણા વિસ્તારના મખીંગા ગામમાં આવેલી  બાલાજી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આગ ફેલાતી રોકવા માટે સતત પાણીનો મારો કરવામાં આવ્યો હતો. આગ વધુ ન ફેલાય તેથી આસપાસના વિસ્તારો પણ ખાલી કરવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી નથી. આ સિવાય આગ લાગવાનું કારણ પણ હજું અકબંધ છે. આગ ઓલવાયા બાદ ફાયર વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version