
ગુજરાતમાં 14 દિવસના લોકડાઉન અંગે મેડિકલ એસો.એ હાઈકોર્ટમાં કરી રજૂઆત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના રોકેટ ગતિએ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 14 દિવસના લોકડાઉન માટે મેડિકલ એસોસિએશને હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.
કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોનાની મહામારી મુદ્દે હાઈકોર્ટમાં પીટિશન થઈ છે. આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે હાલની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને સરકારને ઠપકો આપ્યો હતો. રાજ્યમાં લોકડાઉન નાખવાની રૂપાણી સરકારની કોઈ ઇચ્છા નથી. બીજી તરફ વિવિધ સંસ્થાઓ તથા નિષ્ણાતો દ્વારા લૉકડાઉન કરવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં અનેક નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ પર હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મેડિકલ એસોસિયેશન દ્વારા દલીલ કરવામાં આવી છે કે રાજ્યમાં 14 દિવસનું લૉકડાઉન જરૂરી છે અને રાજ્ય સરકારે આ વિષય પર વિચાર કરવો જોઈએ. આ સિવાય હોસ્પિટલોમાં બેડ તથા દવાઓની પણ જરૂરિયાત છે તેમ મેડિકલ એસોસિયેશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.