અમદાવાદ, 20 મે, 2026: Medical stores remain closed in Gujarat in protest against online medicine sales દેશમાં ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં આજે મેડિકલ સ્ટોર્સ સંચાલકોની દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના 35 હજાર મેડિકલ સ્ટોર્સના સંચાલકો જોડાયા હતા. અમદાવાદ સહિત તમામ નાના-મોટા શહેરોના મેડિકલ સ્ટોર્સ સંચાલકોએ બંધ પાડીને દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું હતું. જો કે, ઈમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિયેશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાળ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું હતુ.
ઓલ ઈન્ડિયાના 12.40 લાખ, ગુજરાતના 35 હજાર અને અમદાવાદના 3 હજાર જેટલા કેમિસ્ટોએ એક દિવસ મેડિકલ સ્ટોર્સ સંચાલકોએ બંધ રાખી વિરોધ કર્યો હતો. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા ઓનલાઈન દવાનો વેપાર બંધ કરવામાં ન આવતા કેમિસ્ટ એસોસિયેશન એક દિવસની પ્રતિક હડતાળ પાડી હતી.
અમદાવાદ સહિત શહેરોમાં મેડિકલ સ્ટોર્સ બંધ થઈ જતા લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનમાં બે ફાંટા પડી ગયા હતા. જેને લઈને વડોદરા શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટલાક મેડિકલ સ્ટોર બંધ રહ્યા હતા. જ્યારે કેટલાક મેડિકલ સ્ટોર ખુલ્લા જોવા મળ્યા હતા.
ગુજરાત કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે દેશભરમાં એક દિવસ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા હતા. ઓનલાઇન દવાઓનો જે વેપાર કરવામાં આવે છે તે ગેરકાયદેસર છે તેને બંધ કરવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અત્યારે હેલ્થ મિનિસ્ટર દ્વારા મળવા માટેનો સમય પણ આપવામાં આવતો નથી. કોરોના સમયમાં લોકો બહાર ન આવે અને દવાઓ ડોર સુધી મળી રહે તે માટે ઓનલાઈન દવાઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે બાદ પણ તે બંધ કરવામાં આવ્યું નહી. કોરોના ગયા વર્ષો વીતી ગયા છતાં પણ ઓનલાઇન દવાઓનો વેપાર બંધ કરવામાં આવ્યો નથી.

