Site icon Revoi.in

ભાવનગરમાં મેગા ડિમોલેશન, ગઢેચી વિસ્તારમાં 400 મકાનો પર બુલડોઝર ફર્યું

Social Share

ભાવનગરઃ શહેરના ગઢેચી વિસ્તારમાં ગેરકાયદે મકાનો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં આવેલી 811 મકાનધારકોને નોટિસ અપાયા બાદ 400 મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતું. મેગા ડિમોલેશનની કામગીરી દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન અગાઉ કંસારા સજીવિકરણ પ્રોજેક્ટમાં સૌથી વધુ 710 કાચા પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું. ત્યારબાદ હવે શહેરના ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો દૂર કરવા માટે છેલ્લા બે દિવસથી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ગઢેચી વિસ્તારમાં 811 ગેરકાયદે મકાનો તોડી પડશે. જેમાં હાલ 400 મકાનો તોડી પાડવામાં આવ્યા છે.

બીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરની મધ્યમાંથી પસાર થતી ખુલ્લી ગંદકી સમાન કંસારા અને ગઢેચી બંનેને શુદ્ધિકરણ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2020 માં 8.1 કિલોમીટરના પ્રોજેક્ટ માટે કંસારા સજીવીકરણનું ખાતમુહૂર્ત કર્યું હતુ. અને રામમંત્ર મંદિર બ્રિજથી તિલકનગર ડિસ્પોઝલ સુધી 7.6 કિલોમીટરમાં 710 કાચા પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું. ત્યારે હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસથી પોલીસ બંદોબસ્ત સાથે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધીના 185 ગરકાદેસર દબાણો પર બુલડોઝર ફેરવી અંદાજે 800 મીટર વિસ્તાર ખુલ્લો કર્યો હતો જ્યારે આજે કુંભારવાડા બ્રિજથી જવાહર નગર ફાટક તરફ બંને કાંઠે અંદાજે 800 મીટર વિસ્તારમાં 215 જેટલા ગેરકાયદેસર બાંધકામોના દબાણોનો ખુરદો બોલાવ્યો હતો. એકાદ બે જગ્યા પર દબાણકારો દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો પરંતુ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખી હતી. એસ્ટેટ વિભાગ, યોજના, ટાઉન ડેવલપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ તેમજ ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમ દ્વારા ભાવનગરના સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. આગામી દિવસોમાં જવાહર નગર ફાટકથી શાસ્ત્રીનગર બ્રિજ અને ગઢેચી વડલાથી બોરતળાવ સુધીમાં માલિકી આધારે અને બાંધકામ મંજૂરીના આધારો રજૂ નહીં કરેલા બાંધકામોને તોડી પડાશે.