Site icon Revoi.in

અમદાવાદના ઈસનપુર તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન, 925 ગેરકાયદે મકાનો હટાવાશે

Social Share

અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈસનપુર તળાવ વિસ્તારમાં 915 જેટલા ગેરકાયદે મકાનો તોડી પાડવા માટે મ્યુનિના 20 જેસીબી, બુલડોઝર, 500 કર્મચારીઓ અને મજુરો દ્વારા વહેલી સવારથી કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનેક ગરીબ પરિવારો બેઘર બન્યા છે. વર્ષોથી વસવાટ કરતા પરિવારોના મકાનો તૂટતા મહિલાઓ રડતી જોવા મળી હતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવ વિસ્તારમાં વર્ષોથી દબાણો કરવામાં આવ્યાં હતાં. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવ ફરતે 1,000થી વધારે પરિવારો વસવાટ કરતા હતા. તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજે સોમવારે વહેલી સવારે શરૂ કરવામાં આવી હતી. 20 JCB મશીન અને 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.

ઈસનપુર તળાવ વિસ્તારમાં પહેલા 167 કોમર્શિયલ બાંધકામ તોડાયા હતા. હવે 925 રહેણાંક બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલા રહેણાંક મકાનોને નોટિસ પાઠવી હતી, પરંતુ દિવાળીના કારણે ડિમોલિશન કરાયું નહોતું. હાલ 4 ભાગમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. અગાઉ 20 નવેમ્બરના રોજ ડિમોલિશન કરવાનું હતું, પરંતુ સ્થાનિકોએ 4 દિવસનો સમય માંગતા આજે 24 નવેમ્બરે ડિમોલિશન કાર્યવાહી શરૂ કરાઈ છે.

શહેરના ઈસનપુર રામવાડી તરફ અને સબ ઝોનલ ઓફિસ તરફ જવાના રોડને ડિમોલિશનની કામગીરીને લીધે અચાનક જ બંધ કરી દેવાયો હતો. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોઈ પણ જાહેરાત વિના જ રોડ બંધ કરી દેવાતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. એએમસીની કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઈસનપુર તળાવમાં 50 વર્ષથી વધુ સમયથી રહેનારા નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાનો આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ મકાનો આપ્યા વિના જ દબાણો દૂર કરવામાં આવતા રોષ ફેલાયો છે. રહીશો છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી રહે છે ત્યારે તેઓને મકાન આપવા માટેની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ કોઈ પણ મકાન આપ્યા વિના માત્ર ફોર્મ ભરાવી મકાનો ખાલી કરાવી દૂર કરવામાં આવતા ગરીબ લોકો બેઘર થઈ ગયા છે.

Exit mobile version