રાજકોટ, 23 ફેબ્રુઆરી 2026: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આરએમસીના ઈતિહાસનું સૌથી મોટુ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારના 1400થી વધુ મકાનો તોડવા માટે જેસીબી, બુલડોઝર સહિત ટ્રકો-ટ્રેકટરો સહિતના સાધનો સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અને સવારથી મકાનો તોડવાની કામગીરી કરી રહ્યા છે. દબાણ હટાવની કામગીરી કરતા કર્મચારીઓના રક્ષણ માટે સઘન પોલીસ બંદાબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અનેક લોકો દાયકાઓ જૂના પોતાના આશ્રય સ્થાનો ગુમાવતા ચોધાર આંસુએ રડી છે. તો કેટલાક લોકોને એ ચિંતા હતી કે હવે તેઓ ક્યાં જશે? ક્યાં રહેશે ?
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજથી દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1ના અધિકારી, તકનિકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઓપરેશનમાં 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મ્યુનિએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
મેગા ડિમોલિશન માટે આરએમસીની કચેરીમાં વિશેષ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાંથી મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તહેનાત છે અને શહેરના તમામ આઈ.એ.એસ. તથા આઇ.પી.એસ. અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. જુદી-જુદી 7 ટીમની અધ્યક્ષતા ચારેય સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઘર વિહોણા બનેલા લોકોને ફુડ પેકેટ આપવામાં આવી રહ્યા છે. દાયકાઓ જૂના પોતાના આશ્રય સ્થાનો ગુમાવતા લોકો ચોધાર આંસુએ રડી રહ્યા હતા. તો કેટલાક લોકોને એ ચિંતા હતી કે હવે તેઓ ક્યાં જશે? ક્યાં રહેશે?

