- કોમન પ્લોટ પર બાંધકામ કરીને નમાઝ માટે જગ્યા તોડી પડાઈ
- 350થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
- વર્ષ 2008માં ગેરકાયદે બાંધકામો તોડાયા બાદ ફરી દબાણો કરી દેવાયા હતા
અમદાવાદઃ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આજે સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફેરવાયું છે. કોમન પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા અને 20 જેટલા કારખાના બનાવવામાં આવ્યા હતાં, તે તોડી પાડવામાં આવ્યા છે. મેગા ડિમેલિશનમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે 350થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શહેરમાં રખિયાલ વિસ્તારમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલા વર્ષોથી કોમન ઓપન પ્લોટ પર 20થી વધુ કારખાના અને દુકાન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત બાંધકામ કરીને નમાજ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી. તમામ જગ્યા ગેરકાયદેસર હોવાથી સવારથી જ હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. ડિમોલિશનની કામગીરી દરમિયાન આસપાસના લોકો પણ જોવા ટોળે વળ્યા હતા.
સૂત્રોના કહેવા મુજબ 1960માં મિલ મજૂરો માટેની હાઉસિંગ સ્કીમ હતી, જ્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું. આ સ્કીમમાં કોમન ઓપન પ્લોટ પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં કેટલાક લોકોએ બાંધકામ કરીને ગેરકાયદેસર શેડ ઊભા કર્યા હતા. આગાઉ 2008માં આ જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ ફરીથી આ જગ્યા પર ગેરકાયદેસર કારખાના અને દુકાન ઊભી કરી દેવાઈ હતી, જેથી હાઉસિંગ બોર્ડ દ્વારા તે તોડી પાડવામાં આવી છે. રખિયાલમાં પણ ગેરકાયદેસર ઊભા કરેલા બાંધકામમાં વીજ કનેક્શન જોવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ઉભા કરેલા ગેરકાયદેસર બાંધકામમાં વીજ કનેક્શન કઈ રીતે મળ્યું, તેને લઈને સવાલ ઊભા થયા છે.
આ મામલે એસીપી આર. ડી ઓઝાએ જણાવ્યું હતું કે, ડિમોલિશનની કામગીરી ચાલુ છે. આ હાઉસિંગ બોર્ડની જગ્યા છે. હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. એસીપી, પીઆઇ, પીએસઆઈ સહિત 385 પોલીસકર્મીઓ બંદોબસ્ત અપાયો હતો.