- વેજલપુર સોનલ સિનેમા રોડ અને હાટકેશ્વર બ્રિજ પાસે ઢીંચણ સુધી પાણી ભરાયા,
- રામોલમાં ચાર ઇંચ, મણિનગર અને વાસણાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો,
- નેશનલ હાઈવે 8 પર પણ પાણી ભરાયા
અમદાવાદઃ શહેરમાં શનિવારની રાતથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે રવિવારે સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના વટવા વિસ્તારમાં સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. રામોલમાં ચાર ઇંચ, મણિનગર અને વાસણાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે મિઠાખડી અન્ડરપાસ હાલ બંધ કરવામાં આવ્યો છે, આ ઉપરાતં સેટેલાઈટ એસજી હાઈવે, ઘાટલોડિયા સહિત વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી રોડ પર પાણી ભરાયા હતા.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં શનિવાર મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. મોડી રાતથી વહેલી સવારે છ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.આજે બપોર સુધીમાં શહેરના વટવા વિસ્તારમાં સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. રામોલમાં ચાર ઇંચ, મણિનગર અને વાસણાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે મિઠાખડી અન્ડરપાસ હાલ બંધ કરવામાં આવ્યો છે, આ ઉપરાતં સેટેલાઈટ એસજી હાઈવે, ઘાટલોડિયા સહિત વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી રોડ પર પાણી ભરાયા હતા. શહેરના જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, વસ્ત્રાપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણીનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ ઇન્કમટેક્સ ઉસ્માનપુરા સહિતના વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નેશનલ હાઈવે 8 પર પણ પાણી ભરાયા છે. ત્યારે નારોલ પાસે આવેલી મોની હોટલ પાસેનો સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. અંદાજિત 500 મીટર જેટલા રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. વાહન ચાલકો મુખ્ય હાઈવે પર રોંગ સાઈડ જવા મજબૂર બન્યા છે. તેમજ વિઝિબિલિટી ઓછી હોવાથી હાઈવે પર અકસ્માતનો ભય જોવા મળ્યો છે.
શહેરના અમરાઈવાડીથી જશોદાનગર જવાના રોડ પર પણ પાણી ભરાયા છે. વરસાદના પાણી ભરાવવાને કારણે ત્યાંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, અમરાઈવાડીમાં વર્ષોથી પાણીનો નિકાલ થતો નથી. પાણી નિકાલ માટે વારંવાર ફરિયાદ કરી પણ કોઈ ઉકેલ આવતો નથી
શહેરના શ્યામલ, જીવરાજ પાર્ક, આનંદનગર, પ્રહલાદનગર, જોધપુર, રેડીઓ મિર્ચી રોડ, મકરબા સહિતના વિસ્તારમાં એક ફૂટ જેટલા પાણી ભરાયા છે. મકરબા વિસ્તારમાં ડ્રેનેજ પાણી બેક મારી રહ્યાં છે. શહેરમાં છેલ્લા એક કલાકમાં સવારે 9:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વટવા, નારોલ, શાહવાડી, વટવા, જીઆઇડીસી, લાંભા સહિતના વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરતાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે મણિનગર, જશોદાનગર, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. વેજલપુર, જોધપુર, ચાંદલોડિયા, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, ગોતા, જગતપુર, રાણીપ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે વેજલપુર સોનલ સિનેમા રોડ પર ગોઠણ સુધી પાણી ભરાતા વાહન-વ્યવહાર ખોરવાયો છે. પાણીમાં વાહનો બંધ થતાં ચાલકો દોરીને લઈ જતાં નજરે પડ્યાં હતાં.