Site icon Revoi.in

મેટાએ માર્ક ઝુકરબર્ગના નિવેદન બદલ માફી માંગી

Social Share

મેટાના ભારત અને દક્ષિણ એશિયા માટેના પબ્લિક પોલિસી ડિરેક્ટર શિવનાથ ઠુકરાલે, સોશિયલ મીડિયા પર માર્ક ઝુકરબર્ગના નિવેદન બદલ માફી માંગી છે.

ઝુકરબર્ગે ખોટો દાવો કર્યો હતો કે,’કોવિડ 19 પછી યોજાયેલી ચૂંટણીઓમાં, ભારત સહિત ઘણા દેશોમાં સરકારો સત્તા પરથી બહાર કરી દેવામાં આવી હતી.’ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શિવનાથ ઠુકરાલે ભારતને મેટાના નવીનતાઓ માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. તેમણે કહ્યું કે,” 2024ની ચૂંટણીમાં ઘણા વર્તમાન પક્ષોને ફરીથી ચૂંટવામાં ન આવે તે અંગે માર્કનું અવલોકન સાચું છે પરંતુ આ અવલોકન ભારત માટે નહોતું. આ અજાણતા થયેલી ભૂલ માટે અમે માફી માંગીએ છીએ. ભારત મેટા માટે અવિશ્વનીય રીતે મહત્વપૂર્ણ દેશ છે અને અમે તેના નવીન ભવિષ્યના કેન્દ્રમાં રહેવા માટે આતુર છીએ.”

નોંધનીય છે કે, જો રોગનના પોડકાસ્ટ પર, માર્ક ઝુકરબર્ગે ખોટો દાવો કર્યો હતો કે,” 2024 વિશ્વભરમાં ચૂંટણીઓનું એક મોટું વર્ષ હતું અને ભારત સહિત અન્ય ઘણા દેશોમાં, ચૂંટણીઓ યોજાઈ હતી. કોવિડ 19 પછી યોજાયેલી આ ચૂંટણીઓમાં, ભારત સહિત ઘણા દેશોમાં, સરકારો સત્તા પરથી ઉથલાવી દેવામાં આવી હતી.”

ઝુકરબર્ગના આ દાવા પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે, આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે,” વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતે 2024ની ચૂંટણીમાં 64 કરોડથી વધુ મતદારો સાથે, એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝુકરબર્ગનો દાવો કે, ભારત સહિત મોટાભાગની શાસક સરકારો કોવિડ-19 પછી 2024ની ચૂંટણી હારી ગઈ, તે હકીકતમાં ખોટું છે.” માર્કના નિવેદન પર સંસદીય સમિતિએ, મેટાને સમન્સ પાઠવ્યું. 13 જાન્યુઆરીના રોજ, માહિતી ટેકનોલોજી અને સંદેશાવ્યવહાર અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ ખોટી માહિતી અંગે, મેટાને સમન્સ પાઠવ્યું હતું અને કહ્યું હતું કે,” કોઈપણ લોકશાહી દેશ વિશે ખોટી માહિતી તેની છબીને ખરડાય છે. આ ભૂલ માટે, આ સંગઠને સંસદ અને અહીંના લોકો પાસે માફી માંગવી પડશે.” જે બાદ મેટાએ માર્ક ઝુકરબર્ગના નિવેદન બદલ માફી માંગી.

Exit mobile version