1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ, મોટેરા સ્ટેડિયમથી APMC સુધીની મેટ્રો ટ્રેન નવરાત્રીથી દોડતી થશે
અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ, મોટેરા સ્ટેડિયમથી APMC સુધીની મેટ્રો ટ્રેન નવરાત્રીથી દોડતી થશે

અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ, મોટેરા સ્ટેડિયમથી APMC સુધીની મેટ્રો ટ્રેન નવરાત્રીથી દોડતી થશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેન ફેઈઝ-1ની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન પૂર્ણ કરાયા છે. હવે આગામી નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવશે. APMCથી મોટેરા સ્ટેડિયમ તથા થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાશે, મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું રૂપિયા 25  હશે. અલગ અલગ સ્ટેશનની ટિકિટ રૂ 5, 10, 15, 20 અને 25 હશે. હાલમાં વરસાદની સીઝન હોવાથી મેટ્રોના ફાઈનલ ટચમાં થોડું મોડું થયું છે, પરંતુ હવે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં અમદાવાદીઓ મેટ્રોમાં મુસાફરી કરી શકશે. હાલમાં ફેઝ-1નું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે તેમજ ઉત્તર અને દક્ષિણ કોરિડોરમાં ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરી દેવાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મેટ્રો રેલ સેફ્ટી કમિશનર આવતા સપ્તાહમાં ફાઈનલ ઈન્સ્પેક્શન કરશે. CMRSની ટીમ ઓગસ્ટની 20 તારીખે અમદાવાદ આવશે અને સમગ્ર 40 કિમીના રૂટ પર નિરીક્ષણ કરશે. જ્યારે આ ટીમ નિરીક્ષણ પૂર્ણ કરશે ત્યાર બાદ ગુજરાત મેટ્રો રેલ સર્વિસ દ્વારા મેટ્રોની સર્વિસ લોન્ચ કરવા માટેની ફાઈનલ મંજૂરી માટે જરૂરી પેપરવર્ક પૂર્ણ કરવામાં આવશે. CMRS દ્વારા આ સર્વિસની માન્યતા આપવા માટે 15થી 20 દિવસનો સમય લાગશે. ત્યાર બાદ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સર્વિસ શરૂ થઈ જશે. ગુજરાત મેટ્રો રેલ સર્વિસના એમડીના કહેવા મુજબ  મેટ્રો ટ્રેનના કામમાં ચોમાસાને કારણે થોડું મોડું થયું છે. ટ્રેનની સર્વિસ ચાલુ થાય એ પહેલાં જ દરેક ટ્રેનનો 320 કિમીનો ટ્રાયલ રન લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આમ તો 2021માં પૂર્ણ કરવાનો ટાર્ગેટ હતો, પરંતુ કોરોના સંક્રમણનું લોકડાઉન તથા કેટલીક કાયદાકીય બાબતોને કારણે તેને શરૂ કરવામાં અડચણો આવી હતી. આ પ્રોજેક્ટમાં અત્યારસુધીમાં 12 હજાર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધુમાં વધુ 25 રૂપિયા ટિકિટના દર નક્કી કરાશે, જ્યારે ઓછામાં ઓછા પાંચ રૂપિયા ટિકિટના થશે. દરેક સ્ટેશન પ્રમાણે ટિકિટના દરમા પાંચ રૂપિયાનો વધારો થશે.  મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે. ટ્રેનના પાટાથી લઇ ટનલની મોટા ભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 6.53 કિમી અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ ચાર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં કાંકરિયા વેસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા અને શાહપુરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે, જે પછી સાબરમતી નદી પર થઈને એલિવેડેટ કોરિડોરમાં જૂની હાઈકોર્ટ ઈન્કમટેક્સ સ્ટેશન સુધી પહોંચશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે. 21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code