Site icon Revoi.in

AI સહકાર મજબૂત કરવા માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા ડિસેમ્બરમાં ભારત પ્રવાસે આવશે

Social Share

નવી દિલ્હી: ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રભાવ અને ટેક્નોલોજીકલ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા ડિસેમ્બર મહિનામાં ભારતની મુલાકાત લેશે. અહેવાલ મુજબ, નડેલા દિલ્હી, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે, જ્યાં તેઓ સરકારી અધિકારીઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ કંપનીના કર્મચારીઓ સાથે મુલાકાત કરશે. 

નડેલા તેમના પ્રવાસ દરમિયાન એઆઈ સંબંધિત અનેક મહત્વપૂર્ણ કોન્ફરન્સોમાં હાજરી આપશે અને સંબોધન કરશે. હજી સુધી માઈક્રોસોફ્ટ તરફથી તેમની આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ઉદ્યોગજગતના જાણકારો માની રહ્યાં છે કે આ પ્રવાસ કંપની માટે કૌશલ્ય અને રોકાણના દૃષ્ટિકોણે અત્યંત મહત્વનો છે. આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના ટેક્નોલોજીકલ સંબંધો નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે. બંને દેશો તાજેતરના મતભેદોને પાછળ રાખીને ટેક્નોલોજી સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બીજી તરફ, ભારત સરકાર મેક ઈન ઇન્ડિયાઅભિયાન અંતર્ગત દેશી એપ્સ અને સેવાઓને પ્રોત્સાહન આપી રહી છે, જેના કારણે ઝોહો કોર્પોરેશન જેવી ભારતીય કંપનીઓ માઈક્રોસોફ્ટ જેવા દિગ્ગજોના વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

નડેલા આ વર્ષે જાન્યુઆરી 2025માં પણ ભારત આવ્યા હતા, ત્યારે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને દેશમાં એઆઈ ક્ષેત્રમાં 3 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. ડિસેમ્બરની આ મુલાકાત તેમના એવિઝનને આગળ વધારવાનો વધુ એક પ્રયાસ માનવામાં આવે છે. ભારતમાં હાલમાં એઆઈ ક્ષેત્રમાં તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. તાજેતરમાં ગુગલે આંધ્ર પ્રદેશમાં એઆઈ ડેટા સેન્ટર સ્થાપવા માટે આગામી પાંચ વર્ષમાં 15 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ, માઈક્રોસોફ્ટ સમર્થિત ઓપનએઆઈ (OpenAI)એ ભારતીય યુઝર્સ માટે ChatGPT Goનું એક વર્ષનું મફત સબ્સ્ક્રિપ્શન જાહેર કર્યું છે.

Exit mobile version