Site icon Revoi.in

વલસાડમાં આર્મી ઓફિસરની ઓળખ આપી દૂધના વેપારી સાથે ઠગાઈ

Social Share

વલસાડ, 14 જુલાઈ, 2026 : Milk trader defrauded by someone posing as an Army officer in Valsad.    સાયબર ઠગો અવનવી તરકીબ અપનાવીને લોકોને આસાનીથી ઝાળમાં ફસાવતા હોય છે. શહેરના દૂધના વેપારીને આર્મી જવાન અને આર્મી ચીફ ઓફિસરની ખોટી ઓળખ આપી આર્મી કેમ્પ માટે દૂધ અને દહીંનો મોટો ઓર્ડર આપવાનું કહીને વેપારીના બેંક ખાતામાંથી રૂપિયા 59,991. ઉપાડી લીધા હતા. વલસાડ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના નાનકવાડા વિસ્તારમાં અમૂલ ફેમિલી પાર્લર ચલાવતા એક વેપારીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ સતિષકુમાર જણાવી, વલસાડ પોલિટેકનિક કોલેજ ખાતેના આર્મી કેમ્પ માટે 20 દિવસ સુધી દરરોજ 40 લિટર ટેટ્રા પેક દૂધ અને 20 કિલો દહીં સપ્લાય કરવાનો મોટો ઓર્ડર આપ્યો હતો. એડવાન્સ પેમેન્ટ માટે આર્મી ચીફ ઓફિસર વીડિયો કોલ કરશે તેમ કહી વેપારીને વિશ્વાસમાં લીધો હતો. બીજા દિવસે, ખાખી યુનિફોર્મમાં એક વ્યક્તિએ વેપારીને વીડિયો કોલ કર્યો હતો અને પોતાને આર્મી ચીફ ઓફિસર તરીકે ઓળખ આપી હતી. અને વેપારીને બેંક એકાઉન્ટ ખોલવા જણાવ્યું હતુ. પૈસા ટ્રાન્સફર ન થવાનું બહાનું કાઢી, ઠગે વેપારી પાસેથી એપ ડાઉનલોડ કરાવી અને OTP મેળવી લીધો હતો. ત્યારબાદ વેપારીના ICICI બેંક ખાતામાંથી ₹59,991 ઉપાડી લેવામાં આવ્યા હતા. પોતાના ખાતામાંથી પૈસા કપાઈ ગયા બાદ વેપારીએ ઠગોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને મોબાઇલ નંબર સ્વીચઓફ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. જોકે, પૈસા પરત ન મળતાં, આખરે વેપારીએ વલસાડ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે અજાણ્યા સાયબર ઠગો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.

વલસાડ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. કે આર્મી, સરકારી અધિકારી કે અન્ય કોઈના નામે વીડિયો કોલ અથવા એડવાન્સ પેમેન્ટના બહાને OTP, બેંક વિગતો કે મોબાઇલ એપ દ્વારા કોઈ માહિતી માંગે તો સાવચેત રહેવું. આવા કિસ્સાઓમાં તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Exit mobile version