
રાજકોટ જિલ્લાના વિકાસના કામોને ઝડપી પૂર્ણ કરવા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી સુચના
રાજકોટઃ જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા માટે જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષામાં રાજકોટની કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં મંત્રી જીતુ વાઘાણીએ જિલ્લાના વિવિધ વિકાસના કામો તેમજ જુદા જુદા સરકારી મકાનો ના બાંધકામો જે હાલ ચાલી રહ્યા છે તે સત્વરે પૂર્ણ થાય તે માટે દરેક પ્રોજેક્ટની વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ જિલ્લામાં સિંચાઇના વિશેષ વિકાસના કામો થાય તે માટે જિલ્લા પંચાયતના સૂચનોને ધ્યાને લઇ સરકાર કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવા પણ ખાતરી આપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના પ્રભારી એવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રાજકોટના પ્રવાસે આવ્યા હતા. તેમણે સમીક્ષા બેઠક યોજીને અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું. રાજકોટ જિલ્લામાં સુજલામ-સુફલામ અભિયાન દરમિયાન ખેતરમાં માટી લઈ જતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં વિચરતી જાતિ તેમજ પછાત વર્ગના પરિવારો અને જેને મકાનની સગવડ નથી તેવા લોકોને પ્લોટ ફાળવવાની કામગીરી એક ઝુંબેશના ભાગરૂપે થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ હસ્તકના માળખાગત કામો પૂર્ણ થાય તે માટે ખાસ કરીને રાજકોટ સિવિલ કેમ્પસમાં હોસ્પિટલનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને ઓગસ્ટ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું. રાજકોટમાં સ્પોર્ટ્સ સંકુલ, મેન્ટલી રીટાયર્ડ હોમ,એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઈશ્વરીયા પાર્ક, બ્રિજ તેમજ નગરપાલિકાના નવા ભવનો, આરોગ્ય કેન્દ્ર ,અદ્યતન પોલીસ સ્ટેશન સહિત જિલ્લાના મોટા પ્રોજેક્ટ અને ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત ના કામો સત્વરે પૂર્ણ કરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જિલ્લામાં થયેલા વિકાસના કામો અને મુખ્ય પ્રોજેક્ટ અંગેની પ્રગતિ તેમ જ સામાજિક સેવાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંગેની માહિતી આપી હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ ,ધારાસભ્ય કુંવરજી બાવળીયા, ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અગ્રણી મનીષ ચાંગેલા તેમજ અધિકારીઓમાં કલેકટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, એસપી બલરામ મીના, ડીડીઓ દેવ ચૌધરી અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.