Homerevoinewsમોદી સરકારની PM ઇન્ટર્નશિપ યોજના કાગળ પર સફળ, જમીન પર નિષ્ફળઃ કોંગ્રેસ

મોદી સરકારની PM ઇન્ટર્નશિપ યોજના કાગળ પર સફળ, જમીન પર નિષ્ફળઃ કોંગ્રેસ

અમદાવાદ, 29 જૂન, 2026 – ભાજપના રોજગાર મોડેલની PM ઇન્ટર્નશિપના આંકડાઓએ પોલ ખોલી, સમગ્ર દેશમાં બે વર્ષમાં માત્ર ૩૪૧૭ યુવાનોને લાભ મળ્યો છે.  ગુજરાતના યુવાનો માટે પીએમ ઇન્ટર્નશિપ યોજના આશા નહીં, નિરાશાનું પ્રતીક બની હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશના યુવાનોને રોજગાર અને કૌશલ્ય વિકાસના સપના બતાવીને પીએમ ઇન્ટર્નશિપ યોજના દેશના ૭૩૫ જીલ્લામાં શરૂ કરી હતી, જેમાં પાંચ વર્ષમાં દેશના ૧ કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ – રોજગારનું લક્ષ્ય નિર્ધારિત જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વર્ષ ૧.૨૫ લાખ ઇન્ટર્નશિપ અને બીજા રાઉન્ડમાં ૧.૨૮ લાખ એટલે કે બે વર્ષ કુલ ૩.૩૩ લાખ માથી માત્ર ૩૪૧૭ યુવાનોને સમગ્ર ઇન્ટર્નશીપ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે.

યોજના જમીન પર નિષ્ફળ સાબિત થઈ રહી છે

જે ભાજપાના રોજગાર મોડલની  હકીકતો ઉજાગર કરે છે. ગુજરાતના આંકડા બતાવે છે કે યોજના જમીન પર નિષ્ફળ સાબિત થઈ રહી છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પ્રથમ રાઉન્ડમાં કુલ ૧૧,૬૯૦ ઇન્ટર્નશિપ જાહેર કરવામાં આવી હતી. જેની સામે હકિકતમાં ૪,૫૪૧ ઓફર જારી થઈ અને માત્ર ૧,૦૧૯ ઉમેદવારોએ સ્વીકારી એટલે કે કુલ ઉપલબ્ધ તકોની સામે ૯૨ ટકા જેટલી તકોનો અસરકારક ઉપયોગ જ થયો નથી.

આંકડા સ્પષ્ટ કરે છે કે યોજના કાગળ પર મોટી છે, પરંતુ યુવાનો સુધી પહોંચવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ઔદ્યોગિક ગુજરાતમાં પણ યોજનાનો ફ્લોપ શો આંકડા પરથી સ્પષ્ટ થાય છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ અને કચ્છ જેવા ઔદ્યોગિક જિલ્લાઓમાં અંદાજે ૬૦ થી ૭૦ ટકા ઇન્ટર્નશિપ તકો કેન્દ્રિત કરવામાં આવી હતી. પરંતુ સૌથી વધુ રિજેક્શન અને સૌથી ઓછો જોઈનીંગ રેશીયો પણ આ જ જિલ્લાઓમાં જોવા મળ્યો.

સવાલ એ છે કે જ્યાં ઉદ્યોગો છે, ત્યાં યુવાનો ઇન્ટર્નશિપ સ્વીકારતા કેમ નથી? જવાબ સ્પષ્ટ છે, ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડ ખૂબ ઓછું, સ્થાનિક રોજગારી વધુ આકર્ષક, કોર્સ અને ઉદ્યોગોની જરૂરિયાત વચ્ચે મોટું અંતર, લાંબા અંતરના સ્થળાંતરની સમસ્યા, આદિવાસી અને ગ્રામ્ય ગુજરાત સાથે પીએમ ઈન્ટર્નશીપ હેઠળ મોટો અન્યાય થયો છે.

ચિંતાજનક સ્થિતિ

દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. અહીં તકો ખૂબ ઓછી, અરજીઓ ઓછી, જોડાણ લગભગ નહિવત, કારણ કે જાગૃતિનો અભાવ, ડિજિટલ ઍક્સેસની સમસ્યા, પરિવહન અને રહેઠાણની અછત, સ્થાનિક કૌશલ્ય અને કંપનીઓની માંગ વચ્ચે અંતર છે. પીએમ ઈન્ટર્નશીપ યોજનાની ચાર મોટી નિષ્ફળતાઓ, કેન્દ્રીકૃત ડિઝાઇન, યોજનાનું આયોજન દિલ્હીમાં થયું, પરંતુ જિલ્લાઓની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી નથી. લોકલ સ્કિલ-મેચિંગનો અભાવ, યુવાનો પાસે જે કૌશલ્ય છે અને કંપનીઓને જે જોઈએ છે તેમાં મોટો તફાવત છે. હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટ સપોર્ટનો અભાવ, દાહોદનો વિદ્યાર્થી ભરૂચ અથવા કચ્છમાં ઇન્ટર્નશિપ કેવી રીતે કરી શકે? જિલ્લા સ્તરે જવાબદારીનો અભાવ રાજ્ય સ્તરના આંકડા જાહેર થાય છે, પરંતુ જિલ્લાવાર કામગીરી અને નિષ્ફળતાની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.

કોંગ્રેસના પ્રશ્નો

ભાજપના રોજગાર મોડેલની પોલ PM ઇન્ટર્નશિપના આંકડાઓએ ખોલી છે ત્યારે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારને સીધા પ્રશ્નો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૧૧,૬૯૦ તકોમાંથી માત્ર ૧,૦૧૯ એટલે કે માત્ર ૮ ટકા સફળ થઈ એટલે કે ૯૨ ટકા યુવાનો લાભથી વંચિત રહ્યાં. જિલ્લાવાર કામગીરીનો સંપૂર્ણ ડેટા કેમ જાહેર કરવામાં આવતો નથી? આદિવાસી જિલ્લાઓ માટે વિશેષ યોજના કેમ નથી? ઇન્ટર્નશિપ માટે પરિવહન અને હોસ્ટેલ સહાય કેમ આપવામાં આવતી નથી? સ્થાનિક ઉદ્યોગો અને સ્થાનિક યુવાનો વચ્ચે સીધું મેચિંગ કેમ કરવામાં આવતું નથી? અંતિમ સવાલ ગુજરાત દેશનું સૌથી વધુ ઔદ્યોગિક રાજ્ય ગણાય છે. જો ગુજરાતમાં પણ PM ઇન્ટર્નશિપ યોજના અસરકારક રીતે અમલમાં આવી શકતી નથી, તો દેશના અન્ય રાજ્યોમાં તેની સફળતાનો દાવો કેવી રીતે કરી શકાય? ગુજરાત સાબિત કરે છે કે માત્ર તકો જાહેર કરવાથી યુવાનોનું ભવિષ્ય બદલાતું નથી. યોગ્ય સ્થળ, યોગ્ય ઉમેદવાર અને યોગ્ય પ્રોત્સાહન વગર કોઈપણ યોજના સફળ બની શકતી નથી.

કોંગ્રેસ પક્ષનીની માંગ છે કે, જિલ્લાવાર PMIS ડેટા જાહેર કરવામાં આવે. આદિવાસી અને ગ્રામ્ય જિલ્લાઓ માટે વિશેષ પેકેજ આપવામાં આવે. ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે. પરિવહન અને રહેઠાણ સહાય આપવામાં આવે. જિલ્લા સ્તરે જવાબદારી નક્કી કરવામાં આવે. સમગ્ર યોજના કેમ નિષ્ફળ ગઈ, દેશના યોવાનોને કેમ રોજગાર તક ણ મળી ? તેનો અહેવાલ જાહેર કરવામાં આવે

પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના       વર્ષ ૨૦૨૪ – ૨૫     વર્ષ ૨૦૨૫ -૨૬

ઇન્ટર્નશીપ પોસ્ટ                             ૧,૨૭૦૦૦                   ૧,૧૮૦૦૦

ઇન્ટર્નશીપ ઓફર                              ૮૨,૦૦૦                     ૮૩,૦૦૦

ઇન્ટર્નશીપ સ્વીકારવામાં                    ૨૮,૦૦૦                     ૨૪,૬૦૦

ઇન્ટર્નશીપ પૂર્ણ કરનાર                         ૩,૮૧૭                 આંકડા જાહેર થયા નથી

સંબંધિત લેખો

Most Popular