
Mood Of The Nation Survey: સર્વેમાં છૂપાયેલા છે NDA માટે બેડ ન્યૂઝ!
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે પીએમ મોદી સહીત ભાજપ અને તેના સાથીપક્ષો એનડીએ માટે 400 પ્લસ બેઠકો લાવવાનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન મૂડ ઓફ ધ નેશન સર્વેમાં જે વાત સામે આવી છે, તેમાં ભાજપ માટે એક ખરાબ સમાચાર અને એક સારા સમાચાર છે. સારી વાત એ છે કે એનડીએની બેઠકોનો તાજેતરના સર્વેમાં બમ્પર બહુમતીનો છે. જો કે આંકડામાં એક બેડ ન્યૂઝ પણ છૂપાયેલા છે.
મૂડ ઓફ ધ નેશન સર્વેમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને જે તસવીર સામે આવી છે, તેમા એનડીએને 335, વિપક્ષી ઈન્ડી ગઠબંધનને 166 અને અન્યના ખાતામાં 42 બેઠકો જવાનું અનુમાન છે.
સર્વેના આંકડા મુજબ એનડીએ માટે ખરાબ સમાચાર એ છે કે તેને 2019ની લોકસભાની ચૂંટણીઓથી 18 બેઠકો ઓછી મળતી દેખાય રહી છે.
જ્યારે વિપક્ષી ગઠબંધનને આ સર્વેમાં 75 બેઠકોનો ફાયદો દેખાય રહ્યો છે. 2019ની લોકસભાની ચૂંટણીની સરખામણીએ વિપક્ષને બમ્બર બેઠકોનો ફાયદો થવા છતાં તે બહુમતીના આંકડાથી ઘણું દૂર છે.
2019ના પરિણામ પર નજર કરીએ, તો ભાજપને ગત ચૂંટણીમાં 303 બેઠકો મળી હતી અને એનડીએને 353 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 52 અને વિપક્ષી ગઠબંધન યુપીએને 91 બેઠકો મળી હતી. આમ સર્વેમાં ભાજપ માટે જૂના રિઝલ્ટના મુકાબલે નુકશાનના સમાચાર છે, તો વિપક્ષી ગઠબંધનની બેઠકોના મામલામાં મોટો ઉછાળ જોવા મળી રહ્યો છે. પણ સત્તામાં પહોંચવા માટે વિપક્ષી ગઠબંધનનો પનો ટૂંકો પડી રહ્યો હોવાનું અનુમાન છે.