મોરબી પુલ દૂર્ઘટનાઃ મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખનું વળતર ચુકવાશે
અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં હાઈકોર્ટે મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખનું વળતર ચુકવવા માટે બ્રિજનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીને આદેશ કર્યો હતો. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને રૂ. 2-2 લાખનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો.
કેસની હકીકત અનુસાર મોરબીમાં દિવાળીના તહોવારો બાદ મચ્છુ નદી ઉપર બનેલો ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દૂર્ઘટનામાં 135 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. જ્યારે અનેક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી છે. દરમિયાન સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિત પરિવારજનોએ પોતાને મળેલા વળતર અંગે અસંતોષ વ્યક્ત કરીને વળતર વધારવાની રજૂઆત કરી હતી. આ કેસમાં ભોપાલ ગેસ કાંડ અને દિલ્લી ઉપહારકાંડના વળતર અંગેનો ચુકાદો કોર્ટમાં રજૂ કરાયો હતો. આ ઉપરાંત અરજદારે રજૂઆત કરી હતી કે કોણે આ કામ કરવા માટે ઓરેવા અથવા જયસુખ પટેલને કીધુ હતુ તેના નામ જાહેર કરવામાં આવે.
રાજ્યની વડી અદાલતે સુનાવણી દરમિયાન કંપનીને આદેશ કર્યો હતો કે, દરેક મૃતકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ 10 લાખ ચૂકવવા તેમજ દરેક ઈજાગ્રસ્તોને બે લાખ રૂપિયા ચૂકવવા. આ કેસમાં ભોપાલ ગેસ કાંડ અને દિલ્લી ઉપહારકાંડના વળતર અંગેનો ચુકાદો કોર્ટમાં રજૂ કરાયો હતો. જેને લઇને આ કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી પુલ દૂર્ઘટનાની સરકારે ગંભીર નોંધ લઈને જવાબદારો સામે આકરી કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમજ પોલીસને જરુરી નિર્દેશ કર્યાં હતા.