1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાંથી મંગળવાર સાંજ સુધીમાં 37 હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાંથી મંગળવાર સાંજ સુધીમાં  37 હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાંથી મંગળવાર સાંજ સુધીમાં 37 હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત પર તોળાઇ રહેલા બિપોર જોય વાવાઝોડાથી કેઝુઆલિટી અને નુકશાનને ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા હાલ લોકોના સ્થળાંતર પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રભાવિત આઠ જિલ્લાઓમાં મંગળવારે સાંજ સુધીમાં કુલ 37 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે, એવું રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે,  કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 37,794 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાંથી 6229  અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

રાહત કમિશનરે વધુમાં  ઉમેર્યું હતું  કે, વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 12 ટીમ તહેનાત કરાઇ છે. એનડીઆરએફની કચ્છમાં 4, દેવભૂમિ દ્વારકામાં 3, રાજકોટમાં 3, જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત વડોદરા ખાતે 3 અને ગાંધીનગર ખાતે 1 ટીમ રિઝર્વ રખાઈ છે. એસડીઆરએફની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ પોલ સહિતનો જરૂરી જથ્થો સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વાવાઝોડા બાદ પ્રભાવિત વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવા ટ્રી કટરની સાથે વન વિભાગ અને જરૂરી સાધનો સાથે માર્ગ વિભાગની ટુકડીઓ સજજ કરવામાં આવી છે.

પાંડેએ કહ્યું હતું કે, દરિયાકિનારાના પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં સલામત સ્થળોએ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની તમામ જરૂરી વ્યવસથા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

હવામાન વિભાગની વાવાઝોડા અંગેની આગોતરી જાણ બાદ માછીમારો સલામત રીતે પરત ફર્યા છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે તેમ પાંડેએ વધુમાં જણાવ્યું હતું.

રાહત કમિશનર  આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ મોરબી અને રાજકોટ જિલ્લાના પ્રભારી પ્રધાનો, પ્રભારી સચિવ,  કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code