અમદાવાદ, 16 એપ્રિલ 2026: 3 killed in bus accident near Kota રાજસ્થાનના કોટા નજીક નેશનલ હાઈવે 27 પર અમદાવાદથી ભિંડ જઈ રહેલી લકઝરી બસ પલટી ખાતા ત્રણ પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. અકસ્માત સમયે બસમાં આશરે 60 મુસાફરો સવાર હતા. ત્રણેય મૃતકો પુરુષો છે, જેમાં બેની ઓળખ નવીન અને ધર્મેન્દ્ર તરીકે થઈ છે, જ્યારે ત્રીજા ભોગ બનનારની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.
રાજસ્થાનના કોટા બાયપાસ પર હરે કૃષ્ણ મંદિર પાસે નેશનલ હાઇવે 27 પર બુધવારે રાત્રે અકસ્માત સર્જાયો હતો.એક પૂરપાટ જતી સ્લીપર-કોચ બસના ચાલકે કાબુ ગુમાવતા બસ પલટી જતા આ ગંભીર અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા. જ્યારે 35 મુસાફરોને ઈજાઓ થઈ હતી. આ ઘટના કોટાના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે બસમાં આશરે 60 મુસાફરો સવાર હતા. ત્રણેય મૃતકોમાં બેની ઓળખ થઈ છે. જેના નામ નવીન અને ધર્મેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્રીજા ભોગ બનનારની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. ઘાયલોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. બસ ડ્રાઈવર હાલમાં બેભાન છે, અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
લકઝરી સ્લીપર બસના પ્રવાસીના કહેવા મુજબ બસ બપોરે 12:00 વાગ્યે અમદાવાદથી રવાના થઈ હતી અને મધ્યપ્રદેશના ભિંડ-મુરૈના તરફ જઈ રહી હતી. રાત્રે 11:15 વાગ્યે, કોટા બાયપાસ પર બસના ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવ્યો હતો. બસ એટલી ઝડપથી ચાલી રહી હતી કે, બેકાબૂ બન્યા પછી, તે પહેલા તેના લેનમાંથી બહાર નીકળી ગઈ, પછી એક નાના પુલ સાથે અથડાઈતા ડિવાઈડર તોડીને રસ્તાની બીજી બાજુએ પલટી ગઈ હતી. તે જ સમયે એક ટ્રેલર બાજુની લેનમાંથી પસાર થઈ રહ્યું હતું. અચાનક બસને સામે જોઈને, ટ્રેલર ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક લગાવી અને ટક્કર ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સીધી ટક્કર ટળી ગઈ પરંતુ બસના કાચ તૂટવાના કારણે ત્રણ મુસાફરો રસ્તા પર પટકાયા, અને ટ્રેલર નીચે કચડાઈ જતા તેમના મૃત્યુ થયા હતા. ટ્રેલર ડ્રાઇવર અને તેના સહાયકને કોઈ મોટી ઈજા થઈ નથી.
આ બનાવની જાણ થતાં કોટા શહેરના પોલીસ અધિક્ષક (એસપી) તેજસ્વિની ગૌતમ અને આર.કે પુરમના SHO સંતોષ ચંદ્રાવત પોલીસ દળ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ ટીમ અને ક્રેનને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. હાઇડ્રોલિક કટરનો ઉપયોગ કરીને વાહનના મેટલ બોડીને કાપીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા મેડિકલ કોલેજ ખાતેની નવી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વહીવટીતંત્રની ત્વરિત કાર્યવાહીને કારણે, રાત્રિ ફરજ માટે ડોકટરોની વધારાની ટીમને હોસ્પિટલમાં બોલાવવામાં આવી હતી.


