Homeગુજરાતીફિલ્મ વિવાહ જોઈને અમિતાભ બચ્ચને અમૃતા રાવને કહી હતી ખાસ વાત, અભિનેત્રીએ...

ફિલ્મ વિવાહ જોઈને અમિતાભ બચ્ચને અમૃતા રાવને કહી હતી ખાસ વાત, અભિનેત્રીએ શેર કર્યો જૂનો કિસ્સો

મુંબઈ, 26 જૂન 2026: બોલિવૂડની લોકપ્રિય અને ક્લાસિક ફિલ્મ ‘વિવાહ’માં પોતાની સાદગીથી કરોડો દર્શકોના દિલ જીતનારી અભિનેત્રી અમૃતા રાવે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અત્યંત રસપ્રદ અને યાદગાર કિસ્સો શેર કર્યો છે. અમૃતાએ જણાવ્યું છે કે કેવી રીતે સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તેની સુપરહિટ ફિલ્મ ‘વિવાહ’જોયા બાદ તેના અભિનયના મુક્તકંઠે વખાણ કર્યા હતા. અભિનેત્રી અમૃતા રાવે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વર્ષ 2004માં રિલીઝ થયેલી તેની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘દીવાર: લેટ્સ બ્રિંગ અવર હીરોઝ હોમ’નો એક ખાસ વીડિયો શેર કરીને આ યાદો તાજી કરી હતી. આ ફિલ્મની એનિવર્સરી નિમિત્તે તેણે બિગ બી સાથેની એક ખાસ મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો.

અમૃતાએ જણાવ્યું કે, જ્યારે અમિતાભ બચ્ચન પ્રખ્યાત ‘રાજશ્રી પ્રોડક્શન્સ’ની ઓફિસમાં ફિલ્મ ‘વિવાહ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ જોઈને બહાર નીકળ્યા, ત્યારે તેઓ અમૃતાના અભિનયથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે અમૃતાની પ્રશંસા કરતા એક મજેદાર વાત યાદ અપાવી હતી. બિગ બીએ કહ્યું હતું કે, તેઓ બંને ફિલ્મ ‘દીવાર’નો હિસ્સો તો હતા, પરંતુ કમનસીબે આખી ફિલ્મમાં બંનેનો એકસાથે એક પણ સીન નહોતો. જો કે, નસીબે થોડા વર્ષો પછી ફરી પલટો માર્યો અને 2013માં આવેલી પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’માં અમૃતા રાવને અમિતાભ બચ્ચનની પુત્રવધૂનો રોલ મળ્યો હતો. આ ફિલ્મમાં શરૂઆતથી અંત સુધી તેના મોટાભાગના તમામ સીન્સ અમિતાભ બચ્ચન સાથે જ હતા, જે તેના કરિયરની સૌથી યાદગાર પળો બની ગઈ.

વર્ષ 2006માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિવાહ’ કૌટુંબિક દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. સૂરજ બડજાત્યાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં પ્રેમ (શાહિદ કપૂર) અને પૂનમ (અમૃતા રાવ)ની પરંપરાગત અને પવિત્ર પ્રેમ કહાની દર્શાવવામાં આવી હતી, જે બોક્સ ઓફિસ પર મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. બીજી તરફ, 2004ની ફિલ્મ ‘દીવાર’ નું નિર્દેશન મિલન લુથરિયાએ કર્યું હતું, જેમાં અમિતાભ બચ્ચન ઉપરાંત સંજય દત્ત અને અક્ષય ખન્ના જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. અંગત જીવનની વાત કરીએ તો, અમૃતા રાવે વર્ષ 2016માં આરજે અનમોલ સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2020માં તેમણે ત્યાં પુત્ર ‘વીર’નો જન્મ થયો હતો.

સંબંધિત લેખો

Most Popular