1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવો ચટાકેદાર ચના મસાલા, જાણો રેસીપી
ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવો ચટાકેદાર ચના મસાલા, જાણો રેસીપી

ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવો ચટાકેદાર ચના મસાલા, જાણો રેસીપી

0
Social Share

ભારતીય ભોજનમાં ચના મસાલા એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે અત્યંત પૌષ્ટિક પણ છે. કાબુલી ચણા, ડુંગળી, ટામેટાં અને સુગંધિત મસાલાઓમાંથી બનતી આ વાનગી પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. ઓફિસ લંચ બોક્સ હોય કે સવારનો નાસ્તો, ચના મસાલા દરેક ઉંમરના લોકોમાં લોકપ્રિય છે. જો તમે પણ હોટલ જેવો ટેસ્ટ ઘરે લાવવા માંગતા હોવ, તો આ સરળ રેસીપી નોંધી લો.

  • જરૂરી સામગ્રી

કાબુલી ચણા- 1 કપ (રાતભર પલાળેલા), ડુંગળી-1 નંગ (ઝીણી સમારેલી), ટામેટાં- 2 નંગ (ઝીણા સમારેલા), લીલા મરચાં- 1-2 નંગ, આદુ-લસણની પેસ્ટ- 1 નાની ચમચી, તેલ- 2 મોટી ચમચી, મસાલા- હળદર (1/2 ચમચી), લાલ મરચું (1 ચમચી), ધાણાજીરું પાવડર (1 ચમચી), ગરમ મસાલો (1/2 ચમચી), મીઠુ સ્વાદ અનુસાર અને ગાર્નિશિંગ માટે લીંબુ અને તાજી કોથમી

  • ચના મસાલા બનાવવાની રીત

સૌ પ્રથમ રાતભર પલાળેલા કાબુલી ચણાને સાફ પાણીથી ધોઈ લો. હવે પ્રેશર કુકરમાં ચણા, પૂરતું પાણી અને થોડું મીઠું ઉમેરી મધ્યમ આંચ પર 3-4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ચણા બરાબર નરમ થવા જોઈએ. એક કડાઈમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને જ્યાં સુધી તે આછી ગુલાબી કે સોનેરી રંગની ન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી 1-2 મિનિટ સાંતળો જેથી કાચી વાસ દૂર થાય. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં ઉમેરો અને ટામેટાં બરાબર ગળીને નરમ થાય ત્યાં સુધી ચઢવા દો.

જ્યારે ટામેટાં તેલ છોડવા લાગે ત્યારે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. મસાલામાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને પકાવો. હવે તૈયાર મસાલામાં બાફેલા ચણા ઉમેરો અને બરાબર મિક્સ કરો. 5-7 મિનિટ સુધી ધીમી આંચ પર ચઢવા દો જેથી ચણામાં મસાલાનો સ્વાદ બરાબર બેસી જાય. છેલ્લે ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. ઉપરથી તાજા લીલા ધાણા ભભરાવીને ગાર્નિશ કરો. તૈયાર છે ગરમાગરમ અને સ્વાદિષ્ટ **ચના મસાલા!** તમે તેને રોટલી, પરાઠા, પૂરી કે ભાત સાથે સર્વ કરી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code