ઉનાળામાં ત્વચા માટે વરદાન સમાન છે તરબૂચની છાલ!
ઉનાળાની આકરી ગરમીમાં તરબૂચ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તરબૂચ શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તરબૂચ ખાધા પછી તમે જે છાલ ફેંકી દો છો, તે ખરેખર તમારી ત્વચા માટે કોઈ મોંઘા બ્યુટી પ્રોડક્ટથી ઓછી નથી? મોટાભાગના લોકો તેને કચરો સમજીને ફેંકી દેતા હોય છે, પરંતુ આ છાલમાં રહેલા પોષક તત્વો તમારી સ્કીનને નેચરલ ગ્લો આપી શકે છે.
તરબૂચમાં લગભગ 95% પાણી હોય છે, સાથે જ તેમાં વિટામિન-સી, વિટામિન-એ અને લાયકોપીન જેવા તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ચાલો જાણીએ કે તરબૂચની છાલનો ઉપયોગ કરીને તમે ઉનાળામાં તમારી ત્વચાની સંભાળ કેવી રીતે રાખી શકો છો.
છાલથી સીધું મસાજ
તરબૂચનો લાલ ભાગ ખાધા પછી, તેની સફેદ છાલને ફેંકવાને બદલે ચહેરા કે હાથ-પગ પર ઘસી શકાય છે. તેનાથી ત્વચાને કુદરતી રીતે ભેજ મળે છે. ગરમીના કારણે ત્વચામાં થતી બળતરા અને ડિહાઇડ્રેશનને દૂર કરવામાં આ રીત અત્યંત કારગત છે. જોકે, ચહેરા પર ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરવો.
એલોવેરા જેલ સાથે કોમ્બિનેશન
તરબૂચની છાલના સફેદ ભાગને છીણી લો અને તેમાં થોડું એલોવેરા જેલ મિક્સ કરો. આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા ચહેરા અને હાથ પર લગાવો. આ મિશ્રણ ત્વચામાં ઊંડે સુધી જઈને નમી જાળવી રાખે છે, જેનાથી સવાર સુધીમાં તમારી સ્કીન નેચરલી ગ્લો કરવા લાગશે.
હાઇડ્રેટિંગ આઈસ ક્યુબ્સ
તમે તરબૂચની છાલના સફેદ ભાગને મિક્સરમાં ક્રશ કરી લો. તેમાં થોડું પાણી ઉમેરીને તેના બરફના ટુકડા તૈયાર કરો. દિવસમાં એકવાર આ હાઇડ્રેટિંગ આઈસ ક્યુબને ચહેરા પર હળવા હાથે ઘસો. તે ત્વચાના પોર્સને ટાઈટ કરવામાં અને ગરમીથી રાહત આપવામાં મદદ કરશે.
નેચરલ સ્ક્રબ તરીકે ઉપયોગ
જો તમે ત્વચા પરથી ડેડ સેલ્સ દૂર કરવા માંગતા હોવ, તો તરબૂચની છાલની પેસ્ટમાં થોડી કોફી ઉમેરો. આ મિશ્રણ એક ઉત્તમ સ્ક્રબર તરીકે કામ કરે છે. તેનાથી સ્ક્રબિંગ કરવાથી ત્વચા સોફ્ટ અને મુલાયમ બને છે.
તરબૂચમાં રહેલા પોષક તત્વો (પ્રતિ 100 ગ્રામ અંદાજે)
પાણી: 95 ટકા
કેલરી: 40થી 45
વિટામિન સી: 8.1 એમજી
વિટામિન એ: 28-569 આઈયુ
પોટેશિયમ: 112એમજી
લાયકોપીન: 4530 એમસીજી
નોંધ: કોઈ પણ ઘરેલું નુસખા અજમાવતા પહેલા તમારી સ્કીન ટાઈપને ધ્યાનમાં લેવી અને શક્ય હોય તો નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.


