Site icon Revoi.in

સુરતમાં સરથાણાથી કામરેજ સુધી ટ્રાફિકજામની સમસ્યાથી વાહનચાલકો પરેશાન

Social Share

સુરત, 23 ફેબ્રુઆરી 2026: શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેના લીધે શહેરના દરેક વિસ્તારમાં ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના પ્રવેશદ્વાર ગણાતા સરથાણા જકાતનાકાથી લઈને કામરેજ ચાર રસ્તા સુધીનો માર્ગ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. દરરોજ રાતના સમયે ખાનગી લક્ઝરી બસોના આડેધડ ખડકલાને કારણે કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાય છે, જેમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે.

સુરત શહેરમાંથી સૌરાષ્ટ્ર કે અન્ય પ્રદેશો તરફ જતી સેંકડો લક્ઝરી બસો એકસાથે રોડ પર ઉતરી આવતા આ રૂટ પર ભારણ વધી જાય છે. ડ્રાઈવરો દ્વારા રસ્તાની વચ્ચે કે ગમે ત્યાં બસો ઉભી રાખી મુસાફરો ભરવામાં આવે છે. એકસાથે અનેક બસો લાઈન લગાવતી હોવાથી દ્વિચક્રી વાહનો અને કાર ચાલકોને નીકળવાની જગ્યા પણ મળતી નથી. ઓફિસ કે કામકાજ પતાવી ઘરે પરત ફરતા લોકો આ જામમાં કલાકો સુધી અટવાઈ જાય છે. વાહનચાલકો કહી રહ્યાછે કે,  સરથાણાથી કામરેજ પહોંચતા સામાન્ય રીતે 15-20 મિનિટ થવી જોઈએ, પરંતુ આ ટ્રાફિકને કારણે 1 થી 1.5 કલાક જેટલો સમય વેડફાય છે. રોજ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવાને કારણે ઈંધણનો બગાડ તો થાય જ છે, સાથે માનસિક તાણ પણ વધે છે. પોલીસ દ્વારા આનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી.

ટ્રાફિકની  ગંભીર સમસ્યાને જોતા સ્થાનિકો અને રાહદારીઓએ સુરત પોલીસ અને ટ્રાફિક વિભાગ પાસે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. લક્ઝરી બસો માટે શહેરની બહાર કોઈ ચોક્કસ જગ્યા ફાળવવામાં આવે જેથી મેઈન રોડ પર ટ્રાફિક ન થાય. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક પોલીસની હાજરી અનિવાર્ય બનાવવામાં આવે. રસ્તા પર આડેધડ બસો ઉભી રાખતા સંચાલકો સામે કડક દંડની કાર્યવાહી થાય તેવી માગ ઊઠી છે.

Exit mobile version