અમદાવાદમાં રોડ ઉપર માટી નાંખીને તેના પર જ હોળી પ્રગટાવવા નાગરિકાને મ્યુનિએ કરી અપીલ
અમદાવાદઃ શહેરમાં ધણીબધી સોસાયટીઓ અને સંસ્થાઓ આવતી કાલે 6ઠ્ઠી માર્ચને સોમવારે તેમજ કેટલીક સોસાયટીઓના લોકો તા.7મી માર્ચને મંગળવારે હોળી પ્રગટાવશે. મોટાભાગના લોકો જાહેર રોડ પર હોળી પ્રગટાવતા હોય છે. જેના લીધે જે સ્થળે હોળી પ્રગટાવી હોય તે રોડ ગરમીને લીધે તૂટી જતો હોય છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકાને અપિલ કરવામાં આવી છે. કે, જે સ્થળે રોડ પર હોળી પ્રગટાવવાની હોય તે સ્થળે માટી નાંખ્યા બાદ તેના પર હોળી પ્રગટાવવાની અપિલ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા નાગરિકોને અપિલ કરી છે. કે, શહેરમાં હોળીના તહેવાર દરમિયાન હોલિકા દહન માટે નાગરિકો દ્વારા રોડ ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે. રોડ ઉપર હોળી પ્રગટાવવાના કારણે રોડને નુકસાન થતું હોય છે, જેને અટકાવવા માટે હોળી પ્રગટાવતા પહેલા રોડ ઉપર માટી નાખવામાં આવે અને તેની ઉપર હોળી પ્રગટાવવામાં આવે જેના કારણે રોડને નુકસાન થાય નહીં અને વધુમાં જે પણ નજીકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ આવેલા છે ત્યાં હોલિકા દહન કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે. જ્યાં પણ માટીની જરૂરિયાત હોય ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માટી પૂરી પાડવામાં આવશે તેથી રોડને નુકસાન થાય નહીં.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, હોળીના તહેવારમાં રોડ ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારે જાહેર રોડ ઉપર નુકસાન થતું હોય છે. રોડ અને નુકસાન ના થાય તેને ધ્યાનમાં રાખી અને સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે જ્યાં પણ જાહેર માર્ગ ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે તે પહેલા રોડ ઉપર માટી નાખવામાં આવે અને ત્યારબાદ પ્રગટાવવામાં આવે તો રોડને નુકસાન થાય નહીં અને વધુમાં જો નજીકમાં ક્યાંય મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખુલ્લો પ્લોટ હોય તો તેમાં જ હોલિકા દહન કરવામાં આવે તેવી નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જ્યાં પણ માટીની જરૂરિયાત હોય ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. આ બાબતે તમામ ઝોનના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને આનું અમલીકરણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપના તમામ કોર્પોરેટરોએ પણ પોતાના વોર્ડમાં આવેલી સોસાયટીઓ અને ફ્લેટોના સેક્રેટરી અને ચેરમેનને જાણ કરી છે કે મુખ્ય રસ્તાઓ ઉપર હોળી પ્રગટાવવાના કારણે રસ્તાની સરફેસ અને રસ્તાનો એટલો ભાગ તૂટી જાય છે તે તૂટે નહિ એ હેતુથી નીચે ઈંટો તથા રેતી પાથરીને તેના ઉપર હોળી પ્રગટાવવા તમામ સોસાયટીઓને વિનંતી કરવામાં આવે છે. આ ઉપરાંત શક્ય હોય તો વિસ્તારની વિવિધ સોસાયટીઓ ભેગી થઈ સમૂહમાં કોઈ એક કોમન પ્લોટ અથવા કોર્પોરેશનના પ્લોટમાં હોળી પ્રગટાવવાનો કાર્યક્રમ રાખી શકાય છે.