હોળી-ધૂળેટીના તહેવારોને લીધે સુરતથી યુપી, બિહાર જતી ટ્રેનોમાં જબરો ટ્રાફિક,વધારાના કોચ જોડવા માગ
સુરતઃ શહેરમાં અનેક ઉદ્યોગ-ધંધામાં પરપ્રાંતના લોકો જોડાયેલા છે. અને ખાસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના સુરતમાં વસવાટ કરતા લોકો હોળી-ધૂળેટીના તહેવારોમાં પોતાના માદરે વતન જતાં હોય છે. ત્યારે છેલ્લા સપ્તાહથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતી તમામ ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. ત્યારે હવે હોળીના તહેવારને એક દિવસ બાકી રહ્યો ત્યારે ટ્રેનોમાં વધારાના કોચ જોડવા અથવા ખાસ ટ્રેન દોડવવાની માગ ઊઠી છે.
સુરત શહેરમાં તમામ રાજ્યના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં રોજેરોટી માટે આવતા હોય છે. ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા દસ પંદર વર્ષમાં યુપી અને બિહારના લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. રોજી રોટી મેળવવા માટે આવેલા આ પરિવારો વાર તહેવારે પોતાના વતન તરફ જતા હોય છે જેને કારણે સુરત રેલ્વે સ્ટેશન ઉપર હોળીના સમયે મુસાફરોનો જબરજસ્ત ઘસારો જોવા મળતો હોય છે અને ભારે હાલાકીનો સામનો કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે. હાલ છેલ્લા એક સપ્તાહથી સુરતના રેલવે સ્ટેશન પર હૈયેહૈયું દળાય એવી ભીડ જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હોળીનો તહેવાર હોય ત્યારે સ્વાભાવિક રીતે જ હિંદુ શાસ્ત્રમાં જે પ્રમાણે મથુરા અને વૃંદાવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તે મુજબ ભગવાન કૃષ્ણની ભૂમિ ઉપર આ તહેવારની ખૂબ જ મોટા પાયે અને ભવ્ય ઉજવણી થતી હોય છે.યુપીથી સુરત આવેલા પરિવારો હોળીના સમય દરમિયાન પોતાના વતને જાય છે.પરંતુ અન્ય લોકો પણ મથુરા અને વૃંદાવનની હોળી જોવા માટે હોળીના તહેવાર દરમિયાન જતા હોય છે. પરિણામે સુરત રેલ્વે સ્ટેશન ઉપર હોળીના સમય દરમિયાન હાલ થોડા દિવસોથી સતત મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. હોળીના તહેવાર દરમિયાન યુપી અને બિહારમાં ઉજવણીનો માહોલ જોવા મળતો હોય છે. રોજેરોટી માટે આવેલા પરપ્રાંતના પરિવારો પોતાના વતન જઈને તહેવારની ઊજવણી કરતા હોય છે. સુરતથી યુપી બિહાર જવા માટેની જે ટ્રેનો છે તેના કરતાં મુસાફરોની સંખ્યા વધારે જોવા મળી રહે છે. આજ વર્ષે નહીં પરંતુ દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન આ પ્રકારનો માહોલ સુરત રેલવે સ્ટેશન ઉપર જોવા મળતો હોય છે જે કોચમાં મુસાફરોની કેપેસિટી હોય છે. તેના કરતાં બમણા મુસાફરો કોચમાં બેસતા હોય છે. એક પ્રકારે કહીએ તો સુરત રેલ્વે સ્ટેશન ઉપર અફરાતફરી જોવા માહોલ જોવા મળી રહ્યો છે. મહિલા વૃદ્ધો અને નાના બાળકો સાથે જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભરૂચથી લઈને વાપી સુધીમાં અંદાજે 20 લાખ જેટલા યુપીવાસીઓ રહે છે. યુપીવાસીઓ વાર-તહેવારે તેમના વતન તરફ જતા હોય છે. ત્યારે તેમના માટે જોઈએ તેવી સુવિધા અત્યાર સુધીમાં ઊભી કરવામાં આવી નથી. ખાસ કરીને માત્ર એક તાપ્તિ ગંગા ટ્રેન જ દોડાવવામાં આવી રહી છે અને બીજી તરફ મુસાફરોની સંખ્યા ખૂબ વધારે છે. માત્ર વિકલી ટ્રેનોના સહારે મુસાફરો પોતાના વતન તરફ જાય છે તેને કારણે ભારે મુશ્કેલ થાય છે. યુપીવાસીઓની સંખ્યા જો 20 લાખ જેટલી હોય અને તેની સામે ડેઇલી એકમાત્ર ટ્રેન તાપ્તિ ગંગા હોય તો શું સ્થિતિ થાય છે તે આપણે ભૂતકાળથી જોતા આવ્યા છે પરંતુ હજી સુધી તેમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.