Site icon Revoi.in

નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપતિને ‘મહાકુંભ જળ’ ભેટમાં આપ્યું

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે પોર્ટ લુઇસમાં મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખૂલને મળીને મહાકુંભનું પવિત્ર ગંગાજળ ભેટ આપ્યું હતું. ડિસેમ્બરમાં ગોખૂલને સર્વાનુમતે મોરેશિયસના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જ્યારે હવે તેઓ પૃથ્વીરાજસિંહ રુપુનનું સ્થાન લેશે. જેમનો કાર્યકાળ 2 ડિસેમ્બર, 2024 ના રોજ પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે, કુંભ મેળાનું સમાપન 26 ફેબ્રુઆરીએ થયું હતું અને પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે 66 કરોડથી વધુ યાત્રાળુઓ એકઠા થયા હતા, જે તેને વિશ્વનો સૌથી મોટો માનવ મેળાવડો બનાવે છે.

ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ગોખૂલ એક પ્રતિષ્ઠિત રાજકારણી છે, જેમની શાનદાર કારકિર્દી શિક્ષણ, જાહેર સેવા અને રાજકારણ જેવા ક્ષેત્રોમાં ફેલાયેલી છે. મોરેશિયલની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીના રાજ્ય ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ પોર્ટ લુઇસમાં સર સીવુસાગુર રામગુલામ બોટનિકલ ગાર્ડન ખાતે મોરેશિયસના પ્રથમ વડાપ્રધાન અને સ્થાપક પિતા સર શિવસાગર રામગુલામને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે મોરેશિયસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન સર અનિરુદ્ધ જગન્નાથને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને એક છોડ પણ વાવ્યો હતો. તેમણે કહ્યું, ‘પ્રકૃતિ, માતૃત્વ અને સ્થિરતાને સમર્પિત ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મારા મિત્ર પ્રધાનમંત્રી ડૉ. નવીન રામગુલામના હૃદયસ્પર્શી દેખાવથી હું અભિભૂત છું. તેમનું સમર્થન હરિયાળા અને સારા ભવિષ્ય માટે આપણી સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મોરેશિયસની બે દિવસની મુલાકાતે પોર્ટ લુઇસ પહોંચ્યા છે. મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે સર શિવસાગર રામગુલામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પીએમ મોદીનું પુષ્પમાળા પહેરાવીને સ્વાગત કર્યું. આ સાથે મોરેશિયસમાં ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સમુદાયની મહિલાઓએ ‘ગીત ગવાઈ’ નામના પરંપરાગત બિહારી સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા તેમનું સન્માન કર્યું.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્મય ‘X’ પર ભોજપુરી ભાષામાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘મોરેશિયસમાં મારું યાદગાર સ્વાગત થયું. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણે ગાઢ સાંસ્કૃતિક જોડાણ, ગીતો અને ગાયકોના પ્રદર્શનમાં જોવા મળતું હતું. મોરેશિયસની સંસ્કૃતિમાં મહાન ભોજપુરી ભાષા હજુ પણ ખીલી રહી છે અને જીવંત છે તે પ્રશંસનીય છે.’

વડાપ્રધાન મોદી આવતીકાલે બુધવારે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ સમારોહમાં ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી પણ ભાગ લેશે. 2015 પછી વડાપ્રધાન મોદીની મોરેશિયસની આ પહેલી મુલાકાત છે. વડાપ્રધાન મોદીની વર્તમાન મુલાકાત વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે.

Exit mobile version