1. Home
  2. ગુજરાતી
  3. મલેશિયામાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, ભારતીય સમુદાયને PMએ મજબૂત સેતુ ગણાવ્યો
મલેશિયામાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, ભારતીય સમુદાયને PMએ મજબૂત સેતુ ગણાવ્યો

મલેશિયામાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, ભારતીય સમુદાયને PMએ મજબૂત સેતુ ગણાવ્યો

0
Social Share

કુઆલાલમ્પુર, 7 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2026ના પ્રથમ વિદેશ પ્રવાસ માટે મલેશિયાની પસંદગી કરીને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો પુનરોચ્ચાર કર્યો છે. કુઆલાલમ્પુર ખાતે આયોજિત એક ભવ્ય સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધતા પીએમ મોદીએ ભારત અને મલેશિયા વચ્ચેની સાંસ્કૃતિક વિવિધતા અને આત્મીયતાના વખાણ કર્યા હતા. આ પ્રસંગે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમની ઉપસ્થિતિએ સૌના દિલ જીતી લીધા હતા.

વડાપ્રધાન મોદીએ ભાવુક અંદાજમાં જણાવ્યું હતું કે, “મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહિમ મને લેવા એરપોર્ટ પર આવ્યા એટલું જ નહીં, પરંતુ તેઓ પોતે કાર ચલાવીને મને અહીં કાર્યક્રમ સ્થળ સુધી લાવ્યા છે. આ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ ભારત અને ભારતીય સમુદાય પ્રત્યેના ઊંડા સન્માનનું પ્રતીક છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે 2026માં મલેશિયા આવવાનું તેમનું વચન આજે પૂરું થયું છે.

પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધોને રેખાંકિત કરતા કહ્યું કે, મલેશિયામાં દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો ભારતીય સમુદાય વસે છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું, “કુઆલાલમ્પુર હોય કે કોચી, સ્વાદ એક જેવો જ અનુભવાય છે. મલેશિયાની ‘રોટી ચનાઈ’ અને ભારતનું ‘મલબાર પરોઠા’, નાળિયેર અને મસાલા જેવી ઘણી બાબતો આપણને જોડે છે.” તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીય ભાષાઓ અને ‘મલય’ ભાષામાં ઘણા શબ્દો સમાન હોવાથી આપણે એકબીજાને સરળતાથી સમજી શકીએ છીએ.

વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપના કપરા સમયને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, તે સમયે મલેશિયામાં વસતા ભારતીયોએ જે મદદ અને સહયોગ આપ્યો હતો, તેના માટે ભારત આજે પણ આભારી છે. તેમણે આઝાદ હિંદ ફોજમાં મલેશિયાના ભારતીયોના બલિદાન અને નેતાજી સર્વિસ સેન્ટરના યોગદાનને પણ નમન કર્યા હતા.

વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની વધતી તાકાત અંગે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, આજે દુનિયા ભારતને માત્ર એક મોટા બજાર તરીકે નહીં, પરંતુ રોકાણના વૈશ્વિક કેન્દ્ર તરીકે જોઈ રહી છે. “વિશ્વાસ આજે ભારતનું સૌથી મોટું ચલણ બની ગયું છે,” તેવું બોલતાની સાથે જ હોલમાં ‘મોદી-મોદી’ના નારા ગુંજી ઉઠ્યા હતા. તેમણે બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયન જેવા દેશો સાથે થયેલા વેપાર કરારોનો ઉલ્લેખ કરીને ભારતની વધતી શાખ વિશે વાત કરી હતી.

આ પણ વાંચોઃ ઇસ્લામાબાદ મસ્જિદ વિસ્ફોટની જવાબદારી ISIS એ લીધી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code