Site icon Revoi.in

નાસાએ એક્સિઓમ-4 મિશન માટે નવી લોન્ચ તારીખ જાહેર કરી

Social Share

નાસાએ એક્સિઓમ-4 મિશન માટે નવી લોન્ચ તારીખ જાહેર કરી છે. ક્રૂ મેમ્બર્સ SPACEXના ફાલ્કન 9 રોકેટ પર નવા SPACEX ડ્રેગન અવકાશયાન પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) જશે. આ મિશનનો હેતુ ગુરુવાર, 26 જૂને સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય) ISS સાથે ડોક કરવાનો છે. જેથી નાસાએ મંગળવારે જાહેરાત કરી કે, ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે એક્સિઓમ-4 મિશન હવે 25 જૂને લોન્ચ કરવામાં આવશે. આ મિશન ભારત, હંગેરી અને પોલેન્ડ માટે અવકાશમાં વાપસીનું પ્રતીક છે.

એક્સિઓમ-4 મિશન અગાઉ 25 જૂને નાસાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી SPACEXના ફાલ્કન-9 રોકેટ પર ભારતીય સમય મુજબ, બપોરે 12:01 લોન્ચ થવાનું હતું. જોકે, હવે નાસાએ મિશન માટે નવી લોન્ચ તારીખ જાહેર કરી છે. નાસાના નિવેદન અનુસાર, ‘નાસા, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સે બુધવાર, 25 જૂનના રોજ સવારે 2:31 વાગ્યે EDT (ભારતીય સમય મુજબ બપોરે 12:01 વાગ્યે) એક્સિઓમ મિશન-4 માટે લોન્ચ તારીખની જાહેરાત કરી છે.’ એક્સિઓમ-4 મિશનનું નેતૃત્વ કમાન્ડર પેગી વ્હિટસન કરી રહ્યા છે, જેમાં શુભાંશુ શુક્લા મિશન પાઇલટ છે. હંગેરીના અવકાશયાત્રી ટિબોર કાપુ અને પોલેન્ડના સ્લાવોસ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી મિશન નિષ્ણાતો તરીકે ટીમનો ભાગ છે.

એક્સિઓમ મિશન-4નું લોન્ચિંગ ઘણી વખત મુલતવી રાખવામાં આવ્યું છે. મૂળ આ મિશન 29 મેના રોજ લોન્ચ થવાનું હતું, પરંતુ તે પહેલાં ટેકનિકલ ખામીઓને કારણે મિશન 8 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. પછી તેને 9, 10 અને 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. આ વિલંબનું કારણ ફાલ્કન-9 રોકેટના બૂસ્ટરમાં પ્રવાહી ઓક્સિજન લીક અને ISSના જૂના રશિયન મોડ્યુલમાં લીક હોવાનું કહેવાય છે.

ત્યારબાદ મિશનનું લોન્ચિંગ 19 જૂન અને પછી 22 જૂનના રોજ થવાનું હતું, પરંતુ રશિયન મોડ્યુલના સમારકામ પછી ISSના સંચાલનનું મૂલ્યાંકન કરવા માટે તેને ફરીથી મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે નાસાએ મિશનના લોન્ચિંગ માટેની નવી તારીખ જાહેર કરી છે. આ મિશન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ કોમ્પ્લેક્સ 39Aથી લોન્ચ કરવામાં આવશે. ક્રૂ સ્પેસએક્સના નવા ડ્રેગન અવકાશયાનમાં બેસીને સ્પેસ સ્ટેશનની મુસાફરી કરશે, જે ફાલ્કન-9 રોકેટ દ્વારા સંચાલિત હશે.

એક્સિઓમ-4 મિશન શું છે?

એક્સિઓમ મિશન-4એ એક્સિઓમ સ્પેસ, નાસા અને સ્પેસએક્સ દ્વારા સંયુક્ત રીતે સંચાલિત એક ખાનગી અવકાશ ઉડાન છે. આ મિશનમાં, 4 અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 14 દિવસ વિતાવશે, જ્યાં તેઓ સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અને જીવવિજ્ઞાન સંબંધિત પ્રયોગો કરશે.

Exit mobile version