
પાક.ના લડાકૂ વિમાનને જમીનદોસ્ત કરનાર વિંગ કમાન્ડર અભિનંદન વીર ચક્રથી સન્માનિત
- પાક.ના લડાકૂ વિમાનને જમીનદોસ્ત કરનાર વિંગ કમાન્ડર અભિનંદન સન્માનિત
- તેઓને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા
- હાલમાં તેમને બઢતી આપીને ગ્રુપ કેપ્ટનની જવાબદારી સોંપાઇ છે
નવી દિલ્હી: ઉરી એરસ્ટ્રાઇક બાદ બદલો લેવા આવેલા પાકિસ્તાનના લડાકૂ વિમાન F-16ને જમીનદોસ્ત કરીને પાકિસ્તાનના મનસૂબા પર પાણી ફેરવનાર ભારતના જાંબાઝ અને બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આજે વીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. હાલમાં તેમને બઢતી આપીને ગ્રુપ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પુલવામાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવ ચરમસીમાએ હતો ત્યારે અભિનંદન વર્ધમાને હવાઇ સંઘર્ષમાં એફ-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું હતું. જે બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વર્ષે 3 નવેમ્બરે તેમને પ્રમોશન આપવામાં આવ્યું હતું અને તેમને ગ્રુપ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. 27 ફેબ્રુઆરી 2019 ના રોજ હવાઈ સંઘર્ષમાં, મિગ-21 વિમાનમાં સવાર થયા પછી પણ અભિનંદન વર્ધમાને F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું.
આ પછી પાકિસ્તાની એરફોર્સ દ્વારા તેના પ્લેન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ PoKમાં પડ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બીજા જ દિવસે પાકિસ્તાને તેમને છોડી દીધા હતા. ભારતના રાજદ્વારી દબાણ બાદ પાકિસ્તાને તેમને વાઘા બોર્ડર પર સુરક્ષિત મુક્ત કર્યા હતા.