
- દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત થઇ રહ્યો છે વધારે
- આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક
- કોરોના મહામારીને ડામવા માટેની તૈયારીઓને લઇને ચર્ચા કરાશે
નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશ કોરોનાના ભરડામાં છે. રોજ એક લાખ જેટલા કેસ સામે આવી રહ્યા છે. પીએમ મોદીએ ભલે સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાથી ઇન્કાર કર્યો હોય પરંતુ સતત વકરતી સ્થિતિએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. તેઓ આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક કોરોના સંક્રમણના ડામવા માટેની તૈયારીઓ અને વ્યૂહરચનાને લઇને ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ સાથે કરાશે.
કોરોના વાયરસથી દેશની સ્વાસ્થ્ય પ્રણાલીને પણ વિપરિત અસર થઇ છે. દિલ્હીની જ વાત કરીએ તો 19 નવેમ્બર બાદ રાજધાનીમાં કોરોનાના કેસ સૌથી વધુ નોંધાયા છે. અહીં છેલ્લા 2 કલાકમાં કોરોનાના નવા 7437 કેસ નોંધાયા છે.
કોરોના મહામારી બેકાબૂ બનવા પાછળ લોકોની બેદરકારી જવાબદાર છે. પીએમ મોદીએ આ વાત સ્વીકારી છે. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે લોકો પહેલાની અપેક્ષાએ વધુ બેદરકાર બન્યા છે અને મોટાભાગના રાજ્યોમાં પ્રશાસન પણ સુસ્ત જોવા મળી રહ્યું છે. આવામાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો થતા વધારે મુશ્કેલી થઇ રહી છે. આ પ્રસારને રોકવા માટે યુદ્વના ધોરણે કામ કરવાની આવશ્યકતા છે. તમામ પડકારો છતાં દેશ પાસે પહેલા કરતાં વધુ સારો અનુભવ અને વધુ સારા સંશાધન છે.
નોંધનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 2 કલાકમાં 1.26 લાખથી વધુ નવા દર્દીઓ સંક્રમિત થયા છે. જ્યારે 684 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,29,28,574 પર પહોંચ્યો અને કુલ મૃત્યુનો આંકડો 1,66,862 થયો.
(સંકેત)